✕

News In Shorts: સાંઈભક્તો પર પડ્યો સ્લૅબ, ૧૬ લોકોને ઈજા

19 November, 2026 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનેક લોકોને માથામાં ઈજા પહોંચી હતી, જ્યારે અમુકને ફ્રૅક્ચર પણ આવ્યું હોવાની માહિતી મળી છે.

સાંઈભક્તો પર પડ્યો સ્લૅબ, ૧૬ લોકોને ઈજા

સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડી જઈ રહેલા વાશિંદ અને શહાપુરના ભક્તો પર સ્લૅબ તૂટી પડ્યો હોવાની ઘટના ઇગતપુરીમાં બની હતી. ઇગતપુરીમાં આવેલા સાંઈ નિવારા ભક્ત નિવાસમાં મંગળવારે રાત્રે આખો સ્લૅબ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં ૧૬ જણને ઈજા થઈ હતી અને એમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને સ્લૅબ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ જખમી થયેલા ૧૬માંથી પાંચથી ૬ જણને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અનેક લોકોને માથામાં ઈજા પહોંચી હતી, જ્યારે અમુકને ફ્રૅક્ચર પણ આવ્યું હોવાની માહિતી મળી છે. 

લોણાર સરોવરને મળી અનોખી સિદ્ધિ: થર્ડ ૧૦૦ IUGS જિયોલૉજિકલ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ

મહારાષ્ટ્રના બુલડાણા જિલ્લામાં આવેલા અને ઉલ્કાપિંડ ટકરાવાથી નિર્માણ પામેલા વિખ્યાત લોણાર લેકનો થર્ડ ૧૦૦ IUGS જિયોલૉજિકલ હેરિટેજ સાઇટ્સની પ્રતિષ્ઠિત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ટરનૅશનલ યુનિયન ઑફ જિયોલૉજિકલ સાયન્સિસ (IUGS) દ્વારા અસાધારણ વૈજ્ઞાનિક મૂલ્ય અને ભૂસ્તરીય લક્ષણો ધરાવતાં સ્થળોને જિયોલૉજિકલ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા આપવામાં આવે છે. બુલડાણાનું લોણાર ક્રેટર પૃથ્વી પર ઉલ્કાપિંડની અતિશય ઝડપી ટક્કરથી બનેલા સૌથી યુવાન (આશરે ૧૨,૦૦૦ વર્ષ જૂના) અને શ્રેષ્ઠ રીતે સચવાયેલા વાટકા આકારના ક્રેટર્સમાંનું એક છે. અંદાજે ૧.૮૮ કિલોમીટરનો વ્યાસ ધરાવતું આ સરોવર લગભગ ૬.૫ કરોડ વર્ષ પહેલાં જ્વાળામુખીના લાવામાંથી બનેલા વિશાળ ડેક્કન ટ્રૅપ્સના બેસાલ્ટ ખડકોની વચ્ચે આવેલું છે. બેસાલ્ટ ખડકોમાં ઉલ્કાપિંડ ટકરાવાથી બનેલા પૃથ્વી પરના ગણતરીના પાંચ જ્ઞાત ક્રેટર્સમાંનું એક હોવાથી એનું વૈજ્ઞાનિક મહત્ત્વ અત્યંત વિશેષ છે. આ ક્રેટરના કેન્દ્રમાં ખારું અને આલ્કલાઇન પાણી ધરાવતું સરોવર આવેલું છે જે એક વિશિષ્ટ ભૂસ્તરીય અને પર્યાવરણીય વાતાવરણ ઊભું કરે છે.

નાગોઠણેમાં નશામાં ધુત ડૉક્ટરે બાઇકને ટક્કર મારીને યુવકનો જીવ લઈ લીધો: કાર ભગાવીને ફરાર થઈ રહેલા આરોપીને ગામજનોએ આંતર્યો

રાયગડ જિલ્લાના નાગોઠણે વિસ્તારમાં એક હિટ-ઍન્ડ-રનની ઘટના સામે આવી છે, જ્યાં દારૂના નશામાં કાર ચલાવી રહેલા ૩૭ વર્ષના ડૉક્ટર અમિત સિંહે આગળ જઈ રહેલા ટૂ-વ્હીલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત ૧૫ નવેમ્બરની રાત્રે પેઝારી-નાગોઠણે સ્ટેટ હાઇવે પર મટીરિયલ ગેટ નજીક થયો હતો. અકસ્માતમાં પેણના ૩૭ વર્ષના બાઇકરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને નાગોઠણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવતાં ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ મૂળ છત્તીસગઢના વતની આરોપી ડૉક્ટર અમિત સિંહે કાર ભગાવીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક ગ્રામજનોએ ૨૦૦ મીટર દૂર જ તેને આંતરીને રોકી લીધો હતો. નાગોઠણે પોલીસે જણાવ્યું હતું કે ‘આરોપી ડૉક્ટર નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આરોપી સામે મોટર વ્હીકલ ઍક્ટ તેમ જ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ સદોષ માનવવધ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.’

BMC હૉસ્પિટલમાં જન્મેલાં બાળકોના  બર્થ-સર્ટિફિકેટ એ જ હૉસ્પિટલમાંથી મળશે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ૪ હૉસ્પિટલો KEM, નાયર, સાયન અને કૂપર તથા ૧૬ સબર્બન હૉસ્પિટલમાં જન્મેલાં બાળકોના સર્ટિફિકેટ હવે એ જ હૉસ્પિટલમાંથી  મળશે. એ માટે BMCની વૉર્ડ-ઑફિસમાં જઈને અલગથી ડૉક્યુમેન્ટ સબમિટ નહીં કરવા પડે. વળી આ સર્ટિફિકટ ૩ જ દિવસમાં હૉસ્પિટલમાંથી મળી જશે. એ જ રીતે એ હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોનાં ડેથ-સર્ટિફિકેટ પણ ત્યાંથી જ મળી શકશે. 

igatpuri shirdi maharashtra news maharashtra mumbai news mumbai brihanmumbai municipal corporation