✕

ઉલ્હાસનગરમાં નોકરીના પહેલા જ દિવસે ડિલિવરી એક્ઝિક્યુટિવને ટ્રકે કચડી નાખ્યો

21 November, 2026 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણા વિલંબ બાદ સ્થાનિક રહેવાસીઓએ એક રિક્ષાની વ્યવસ્થા કરીને તેને સેન્ટ્રલ હૉસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઉલ્હાસનગરમાં ગુરુવારે બપોરે પૂરપાટ ઝડપે દોડતી એક ટ્રકે બાઇકને અડફેટે લઈ કચડી નાખતાં ૩૨ વર્ષના ડિલિવરી એક્ઝિક્યુટિવ સૂરજ ખરેનું કરુણ મૃત્યુ થયું હતું. સૂરજ ખરે તાજેતરમાં જ એક હોમ-ડિલિવરી કંપનીમાં જોડાયો હતો અને ગુરુવારે તેની નોકરીનો પ્રથમ દિવસ હતો. બપોરના સમયે સૂરજ ખરે પાર્સલની ડિલિવરી કરવા જઈ રહ્યો હતો ત્યારે કેણે ચોક નજીક એક બેકાબૂ ટ્રકે તેની બાઇકને ટક્કર મારી હતી અને તેના પર ટ્રકનું પૈડું ફરી વળ્યું હતું. ગંભીર ઈજા થઈ હોવા છતાં ઘટનાસ્થળે સૂરજ ખરેને તાત્કાલિક હૉસ્પિટલ પહોંચાડવા માટે કોઈ પ્રયાસ ન થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘણા વિલંબ બાદ સ્થાનિક રહેવાસીઓએ એક રિક્ષાની વ્યવસ્થા કરીને તેને સેન્ટ્રલ હૉસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કલાગુર્જરી ખાતે ૨૮ નવેમ્બરે એકોક્તિ-વાર્તા મંચન સ્પર્ધા

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી અને કલાગુર્જરીના સંયુક્ત ઉપક્રમે શનિવારે ૨૮ નવેમ્બરે બપોરે ૨.૩૦ વાગ્યે એકોક્તિ-વાર્તા મંચન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં રહેતા કોઈ પણ કલાકાર આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. પ્રત્યેક સ્પર્ધકે પાંચથી દસ મિનિટની સમયમર્યાદામાં પ્રસ્તુતિ કરવાની રહેશે. નિર્ણાયકો દ્વારા ૩ વિજેતાઓની પસંદગી કરવામાં આવશે. યુટોપિયા કમ્યુનિકેશન્સ - પ્રીતેશ સોઢાના સંયોજનમાં માર્ગદર્શક અને નિર્ણાયક તરીકે અભિજિત ચિત્રે, ઓમકાર તિરોડકર, વિનય પાઠક અને પરેશ મિસ્ત્રી જોડાશે. આ નિઃશુલ્ક સ્પર્ધામાં ભાગ લેવા અને વધુ વિગતો મેળવવા કલાગુર્જરી કાર્યાલયનો 95942 61960 નંબર પર સંપર્ક કરવો. સ્પર્ધાનું સ્થળઃ કલાગુર્જરી, દશરથલાલ જોશી માર્ગ, વિલે પાર્લે (વેસ્ટ). 

ભિવંડીમાં જાહેર શૌચાલય પર ચાલતું જિમ્નેશ્યમ સીલ

ભિવંડી નિઝામપુર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન (BNCMC)એ જાહેર શૌચાલય પર ગેરકાયદે ચાલતું જિમ્નેશ્યમ સીલ કર્યું છે. ભિવંડી વિસ્તારમાં શાંતિનગર ભાજી માર્કેટમાં મક્કા મસ્જિદની સામે વૉર્ડ 14-Aમાં ગુરુવારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મુલુંડમાં રવિવારે હરિભાઈ કોઠારીનું ગીતાના દસમા અધ્યાયના શ્ળોક ૪-૫ D પર વિડિયો-પ્રવચન

શ્રી કચ્છી લોહાણા મહાજન તથા શ્રી ગાયત્રી ઉપાસક સમિતિ, મુલુંડના સંયુક્ત ઉપક્રમે મુલુંડમાં દર રવિવારે સવારે હરિભાઈ કોઠારીનાં ભગવદ્ગીતા પરનાં ઐતિહાસિક વિડિયો-પ્રવચનો મોટી સ્ક્રીન પર બતાવવામાં આવે છે. રવિવારે બાવીસ નવેમ્બરે ગીતાના દસમા અધ્યાયના શ્ળોક ૪-૫ D પર વિડિયો-પ્રવચન દર્શાવવામાં આવશે. સ્થળ: શ્રી દરિયાલાલ મંદિર હૉલ, પહેલા માળે, શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, RRT રોડ, મુલુંડ-વેસ્ટ. સમય : સવારે ૭.૧૫થી ૮.૩૦. આ ગીતા-પ્રવચનોની લાઇવ વિડિયો-લિન્ક મેળવવા અને ઘરેબેઠાં આ પ્રવચનો સાંભળવા અને માણવા 76660 68876 / 98200 12403 નંબર પર સંપર્ક કરવો. 

આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ લઈ આવ્યું વાવાઝોડું અકવાન

ચક્રવાતી વાવાઝોડું અકવાન શુક્રવારે સવારે અંદાજે ૭.૩૦થી ૮.૩૦ વાગ્યા દરમ્યાન આંધ્ર પ્રદેશ અને ઓડિશા વચ્ચે આવેલા ગોપાલપુર તટે ત્રાટક્યું હતું. એ દરમ્યાન પવનની ગતિ ૭૦થી ૯૦ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. આ વાવાઝોડાની અસરથી ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તથા એનો પ્રભાવ ૧૦ રાજ્યો પર પડી શકે છે. ઓડિશામાં આશરે ૪ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, ૯,૩૪૧ રાહત-કૅમ્પ ઊભા કરાયા છે અને ૪૨૩ બચાવ-ટીમો તહેનાત કરાઈ છે. વાવાઝોડાને કારણે પૂર્વ રેલવેએ ૪૧ અને દક્ષિણ પૂર્વ રેલવેએ ૨૮ એક્સપ્રેસ ટ્રેનો રદ કરી હતી, જ્યારે ૨૯ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો હતો.

ulhasnagar road accident jagannath puri Weather Update gujarati community news gujarati mid day bhiwandi bhiwandi nizampur municipal corporation mumbai news mumbai