15 December, 2025 08:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૅલી
જાહેર વિસ્તારમાંથી રખડતા શ્વાનના સ્થળાંતર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્દેશ સામે ગઈ કાલે પ્યૉર ઍનિમલ લવર્સ (PAL) વેલ્ફેર ફાઉન્ડેશનના સભ્યોએ ઘાટકોપરમાં રૅલીનું આયોજન કર્યું હતું. વિક્રાંત સર્કલથી સાંજે પાંચ વાગ્યે શરૂ થયેલી આ રૅલીમાં પ્રાણીપ્રેમીઓ પોતાની પાર્ટીની સ્થાપના કરી પોતાના પ્રતિનિધિઓને વોટ આપીને તેમને સરકારમાં બેસાડશે એવી જાહેરાત કરવામાં આવી હતી. વિક્રાંત સર્કલથી શરૂ થયેલી આ રૅલી ભાનુશાલીવાડી થઈને પાછી વિક્રાંત સર્કલ પર પૂરી થઈ હતી. આ રૅલીમાં વિવિધ પોસ્ટરો લઈને આશરે ૮૦૦થી ૧૦૦૦ પ્રાણીપ્રેમીઓએ ભાગ લીધો હતો.
ભિવંડીની આગમાં ત્રણ ગોડાઉન બળીને ખાખ
ભિવંડીનાં ૩ ગોડાઉનમાં રવિવારે બપોરે આગ લાગી હતી, જેને કારણે ભયનો માહોલ ફેલાયો હતો. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ભિવંડીના ફાતેમાનગર ખાતે ૩ ગોડાઉનમાં બપોરે ૨.૩૦ વાગ્યે આગ લાગી હોવાનું ફાયર-ઑફિસરે જણાવ્યું હતું. ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા સાકિબ ખાર્બેએ જણાવ્યું હતું કે ‘અનેક ફાયર-એન્જિનો ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી. આગ નજીકના ગાળાઓમાં ન ફેલાય એ માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.’ આ ઉપરાંત ગઈ કાલે વહેલી સવારે ૫.૪૫ વાગ્યે ભિવંડી શહેરના કાલ્હેરમાં રિક્ષા પાર્ક કરતા ગોડાઉનમાં પણ આગ લાગી હતી.
ઝાકિર હુસેનની યાદમાં
મહાન તબલાવાદક ઝાકિર હુસેનની આજે પ્રથમ પુણ્યતિથિ છે એ નિમિત્તે ગઈ કાલે એની પૂર્વસંધ્યાએ નરીમાન પૉઇન્ટ પરના ઍર ઇન્ડિયા બિલ્ડિંગ પર તેમને યાદ કરતું પ્રોજેક્શન કરવામાં આવ્યું હતું. તસવીર : શાદાબ ખાન
શ્રીલંકામાં ૭૦૦૦ દરદીઓની સારવાર કરીને ભારતીય સેનાની મેડિકલ ટીમે વિદાય લીધી
શ્રીલંકામાં દિત્વાહ વાવાઝોડાએ મચાવેલી તબાહી પછી સર્જાયેલી ઇમર્જન્સીની પરિસ્થિતિમાં ભારતે પાડોશી દેશ તરીકે પોતાનો ધર્મ બચાવવા બનતી તમામ મદદ કોલંબો પહોંચાડી હતી. ઑપરેશન સાગર બંધુ અંતર્ગત રાહત-સામગ્રી, દવાઓ, ફૂડ-પૅકેટ્સ ઉપરાંત ભારતીય આર્મીએ ફીલ્ડ-હૉસ્પિટલ પણ ઊભી કરી દીધી હતી. ભારતીય સેનાએ છેલ્લા ૧૫ દિવસમાં ૭૦૦૦ દરદીઓની સારવાર કરી હતી. ભારતીય સેનાની ઇમર્જન્સી મેડિકલ ટીમ કટોકટીના સમયમાં જટિલ સર્જરી કરવાની સુવિધા અને નિષ્ણાતોથી સજ્જ હોય છે. ગઈ કાલે કોલંબોમાંથી ભારતીય સેનાની હૉસ્પિટલની ટીમે વિદાય લીધી ત્યારે શ્રીલંકાના હેલ્થ-મિનિસ્ટરે તેમને ભાવભરી વિદાય આપી હતી.