ન્યૂઝ શોર્ટમાં: વસઈમાં પાણીના ટૅન્કરે અડફેટે લેતાં ૪ વર્ષની બાળકીનું મોત

23 March, 2026 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘટનાની જાણ થતાં વાલિવ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ડ્રાઇવરને તાબામાં લઈ વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘટનાસ્થળ

વસઈના ખેરપાડા વિસ્તારના દુર્ગાનગરમાં ઘરની સામે રમતી ૪ વર્ષની નિક્સા વર્મા પર ગઈ કાલે સાંજે પાણીનું ટૅન્કર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. વસઈ-વિરારમાં ઉનાળો ચાલુ થતાં જ પાણીની સપ્લાય ઘટી ગઈ હોવાથી પ્રાણીનાં પ્રાઇવેટ ટૅન્કર પર રહેવાસીઓએ આધાર રાખવો પડે છે. ઘટનાની જાણ થતાં વાલિવ પોલીસ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ડ્રાઇવરને તાબામાં લઈ વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. 

કાચિંડો ગિટાર વગાડી શકે?

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ જંગલી પશુ-પક્ષીઓને એમની લાક્ષણિક અદાઓમાં કૅપ્ચર કરવા માટે કલાકો સુધી ધીરજ રાખતા હોય છે. એમાં ક્યારેક એકાદ તસવીર એવી મળી જાય છે જે એકદમ યુનિક હોય છે. એક ફોટોગ્રાફરે જંગલી કાચિંડાની તસવીર લીધી છે એ ઇન્ટરનેટ પર વન્યજીવપ્રેમીઓમાં ખૂબ વાઇરલ થઈ છે. કાચિંડો એક લાકડી પર પીઠ ટેકવીને બેઠો છે અને એણે પાંદડું પોતાના ચારેય પંજામાં એવી રીતે પકડ્યું છે જાણે એ ગિટાર વગાડતો હોય. આ મુદ્રામાં કાચિંડો શાંત થઈને બેઠો છે જાણે સંગીત-સાધના કરતો હોય. 

એક એપ્રિલથી ફાસ્ટૅગના વાર્ષિક પાસમાં ૭૫ રૂપિયાનો વધારો

નૅશનલ હાઇવે ઑથોરિટીએ એના વાર્ષિક ફાસ્ટૅગમાં એક એપ્રિલથી ૭૫ રૂપિયા વધારવાનો નિર્ણય લીધો છે. આ વાર્ષિક ફાસ્ટૅગ પહેલાં ૩૦૦૦ રૂપિયામાં મળતો હતો અને હવે એના માટે ૭૫ રૂપિયા વધુ ચૂકવવા પડશે. આ વાર્ષિક ફાસ્ટૅગ ધરાવનાર વાહન માટે દેશના કોઈ પણ ટોલ-નાકા પર કુલ મળીને આખા વર્ષ દરમ્યાન ૨૦૦ ટ્રિપની લિમિટ રાખવામાં આવી છે. લૉન્ગ ડિસ્ટન્સ જતાં વાહનો માટે એ ફાયદાકારક યોજના છે. હાલ દેશનાં ૫૦ લાખ વાહનો એ વાર્ષિક ફાસ્ટૅગનો ઉપયોગ કરે છે. 

નવી મુંબઈના તુર્ભેમાં ઇલેક્ટ્રૉનિક્સની દુકાન આગમાં ખાખ

નવી મુંબઈ તુર્ભે સેક્ટર ૨૧માં આવેલી ઇલેક્ટ્રૉનિક્સની દુકાનમાં ગઈ કાલે સાંજે આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગનો વ્યાપ વધી જતાં એના પર કાબૂ મેળવવા વાશી સહિત નેરુળ, ઐરોલી, બેલાપુરથી પણ ફાયર-એન્જિન મગાવવાં પડ્યાં હતાં. આગ ચોક્કસ કઈ રીતે લાગી એનું કારણ જાણી શકાયું નહોતું. ફાયર- બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉપાડી હતી. 

ગોરેગામના લક્ષચંડી બિલ્ડિંગમાં આગ, ૭૨ વર્ષનાં મહિલાએ જીવ ગુમાવ્યો

ગોરગામ-ઈસ્ટના ગોકુલધામમાં આવેલા ૨૪ માળના લક્ષચંડી બિલ્ડિંગના છઠ્ઠા માળે ગઈ કાલે આગ ફાટી નીકળી હતી. BMCના જણાવ્યા અનુસાર આગ સાંજે લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર-બ્રિગેડ, ઍમ્બ્યુલન્સ અને અન્ય રેસ્ક્યુ વાહન ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. ધુમાડાને કારણે ગૂંગળામણ અને દાઝી જવાથી એક સિનિયર સિટિઝન મહિલા બિલ્ડિંગમાં ફસાઈ હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ એક મહિલાને આગમાંથી રેસ્ક્યુ કરી હતી અને ત્યાર બાદ તેને જોગેશ્વરીના ટ્રૉમા સેન્ટરમાં લઈ જવાઈ હતી. સારવાર દરમ્યાન મોડી રાતે ૭૨ વર્ષનાં આ મહિલાએ જીવ ગુમાવ્યો હતો.

વિરારમાં બે વર્ષ જૂના બિલ્ડિંગમાં આગ, ફાયર-સેફ્ટી બાબતે બિલ્ડર પર દોષારોપણ

વિરાર-ઈસ્ટમાં રવિવારે સવારે એક બિલ્ડિંગના આઠમા માળે આગ લાગી હતી. આ ફ્લોર પર આવેલા ત્રણ ફ્લૅટના એન્ટ્રી-પૅનલને ભારે નુકસાન થયું હતું. આખા ફ્લોર પર ધુમાડો ફેલાઈ જતાં ફ્લૅટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. ઇમર્જન્સી ટીમ આવે એ પહેલાં બિલ્ડિંગના લોકોએ ૯ લોકોને ઝડપથી બહાર કાઢ્યા હતા. આગ ઝડપથી ફેલાઈ હતી અને આખા બિલ્ડિંગમાં એનો ધુમાડો ફેલાયો હોવાથી આગ કાબૂમાં લેવામાં લગભગ બે કલાક લાગ્યા હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ બિલ્ડિંગ માત્ર બે જ વર્ષ જૂની હોવાથી ટેક્નિકલ અને સેફ્ટીના ઇશ્યુ માટે બિલ્ડરને દોષી ઠેરવતાં રહેવાસીઓએ તાત્કાલિક ફાયર-ઑડિટની માગણી કરી છે.

ભિવંડીના કોન ગામમાં બે ગોદામ આગમાં બળીને ખાખ

ભિવંડી તાલુકાના કોન ગામમાં રવિવારે આગની ઘટનામાં ભંગારનાં બે ગોદામો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયાં હતાં. આગમાં ભારે માલમતાને નુકસાન થયું હતું. જોકે એમાં કોઈને ઈજા થઈ નહોતી. પ્રાથમિક માહિતી અનુસાર ગોદામમાં મોટા પ્રમાણમાં કાપડ, પ્લાસ્ટિક અને કાગળનો સ્ટૉક રાખવામાં આવ્યો હતો એને કારણે થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું. અધિકારીઓને શંકા છે કે ગોડાઉનની બાજુમાં આવેલા સૂકા ઘાસને કોઈ અજાણી વ્યક્તિએ જાણીજોઈને આગ લગાડી હશે. આગ ધીમે-ધીમે ફેલાઈ ગઈ અને થોડા સમયમાં જ નજીકના ભંગારનાં ગોડાઉનોને ચપેટમાં લઈ લીધાં હતાં. બે કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

mumbai news mumbai vasai road accident Crime News mumbai crime news bhiwandi fire incident mumbai fire brigade