ચાર દિવસ પહેલાં અને બે દિવસ પહેલાં પરણેલા જવાન પહોંચ્યા દેશની સેવા કરવા

10 May, 2025 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના બે સૈનિકોની દેશભક્તિ અને નિષ્ઠાને સલામ

જળગાવનો જવાન મનોજ પાટીલ. વાશિમનો જવાન કૃષ્ણા અંભોરે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે અને ભારતીય સેના દ્વારા રજા પર ગયેલા તમામ જવાનોને તાત્કાલિક ધોરણે પાછા ફરવાનું કહી દેવામાં આવ્યું છે ત્યારે જળગાવ જિલ્લાના પાચરો વિસ્તારમાં રહેતો જવાન મનોજ પાટીલ ફરજ પર હાજર થઈ ગયો છે. મનોજ પાટીલનાં પાંચમી મેએ લગ્ન થયાં હતાં અને ૮ મેએ લગ્ન નિમિત્તે ઘરમાં સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે પૂજા થાય એ પહેલાં જ ૭ મેએ ભારતીય સેનાએ ફરજ પર તાત્કાલિક હાજર થવાનું કહેતાં જવાન મનોજ પાટીલ રવાના થઈ ગયો હતો અને સરહદ પર મોરચો સંભાળી લીધો છે. લગ્નના બે જ દિવસ થયા હોવા છતાં પત્ની યામિનીએ જવાન પતિને દેશની સેવા કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

આવી જ રીતે મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાના જઉળકા રેલવે ગામનો જવાન કૃષ્ણા રાજુ અંભારે લગ્ન કરવા માટે સેનામાંથી રજા લઈને ઘરે આવ્યો હતો. ૩ મેએ જવાનનાં લગ્ન થયાં હતાં અને તે પરિવાર સાથે લગ્નની ઉજવણી કરી રહ્યો હતો. ૭ મેએ તેને સેનામાંથી ફરજ પર તાત્કાલિક પાછા ફરવાનો મેસેજ મળ્યો હતો. આથી જવાન કૃષ્ણા અંભારે લગ્નની ઉજવણી બાજુએ રાખીને દેશભક્તિ અને કર્તવ્ય માટે સેનામાં સામેલ થઈ ગયો હતો અને મોરચો સંભાળી લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

લગ્નના બે-ચાર દિવસમાં જ સેનામાં તાત્કાલિક હાજર થવાનો મેસેજ મળ્યા બાદ બન્ને જવાન તેમના ગામમાંથી નીકળ્યા ત્યારે તેમને પ્રોત્સાહન આપવા માટે ગામવાસીઓએ જય જવાન અને વંદે માતરમનો સૂત્રોચ્ચાર કર્યો હતો.

maharashtra maharashtra news news mumbai indian army ind pak tension india pakistan mumbai news