નવા વર્ષે દારૂના મામલે સરકારી ખાતાંની વિરોધાભાસી રણનીતિ

31 December, 2012 05:43 AM IST  | 

નવા વર્ષે દારૂના મામલે સરકારી ખાતાંની વિરોધાભાસી રણનીતિ



પ્રોહિબિશનના પ્રધાન શિવાજીરાવ મોઘેએ લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે ‘દારૂથી દૂર રહો અને નવા વર્ષનું સ્વાગત કરો. દારૂ પીને ડ્રાઇવિંગ કરવાથી અનેક લોકો જીવ ગુમાવે છે અને અનેક લોકો જિંદગીભર શારીરિક રીતે અક્ષમ થઈ જાય છે એટલે દારૂથી દૂર રહો.’

સામે પક્ષે સ્ટેટ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના ચીફ ગણેશ નાઈકે દારૂના વેચાણ અને બારમાં સર્વ કરવાના નિયમોમાં ૧ જાન્યુઆરીના સ્વાગત માટે ઢીલ મૂકી છે એટલે આજે રાતે એક વાગ્યા સુધી દારૂની દુકાનમાંથી દારૂનું વેચણ કરી શકાશે અને સવારના ૫ાચ વાગ્યા સુધી બારમાં દારૂ સર્વ કરી શકાશે.

૨૦,૦૦૦ પોલીસ ખડેપગે

મુંબઈગરા શાંતિથી નવા વર્ષનું સ્વાગત કરી શકે એ માટે ૩૦૦૦ ટ્રાફિક-પોલીસ સિવાય ૧૭,૦૦૦ પોલીસમેનો આજે રાત્રે ખડેપગે ફરજ બજાવશે. આમ ૨૦,૦૦૦ પોલીસો નવા વર્ષની ડ્યુટીમાં લાગી ગયા છે. જુહુ બીચ, ગિરગામ ચોપાટી, ગેટવે ઑફ ઈન્ડિયા, દાદર ચોપાટી અને મરીન ડ્રાઇવ પર વધુ બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

સેલિબ્રેશનને આડે અંગારિકા 

નવા વર્ષને વધાવવા અનેક યુવાનો થર્ટીફર્સ્ટની રાતે દારૂ પીને સેલિબ્રેશન કરતા હોય છે, પરંતુ એમાંના ગણેશભક્તો મંગળવાર અને ચતુર્થીની અંગારિકાના યોગને કારણે આજે દારૂને હાથ નહીં લગાવે પણ ભગવાનનાં દર્શન કરીને નવા વર્ષનું સ્વાગત કરશે.