ન્યુ યરની પાર્ટીના રંગમાં ભંગ પાડી શકે છે મુંબઈપોલીસ

30 December, 2011 03:07 AM IST  | 

ન્યુ યરની પાર્ટીના રંગમાં ભંગ પાડી શકે છે મુંબઈપોલીસ



ઉર્વશી સેઠ

મુંબઈ, તા. ૩૦

મુંબઈપોલીસ તમારી ન્યુ યર પાર્ટીમાં વિલન બને અને રંગમાં ભંગ પાડે તો જરા પણ આશ્ચર્ય પામતા નહીં. બૉમ્બે હાઈ ર્કોટે થર્ટીફસ્ર્ટે રાત્રે શરૂ થનારા સેલિબ્રેશન બાદ બાર્સને સવારે પાંચ વાગ્યા સુધી ખુલ્લા રહેવાની પરવાનગી આપી છે, પરંતુ ઑર્કેસ્ટ્રા ચાલુ રાખવું કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી એટલે રાત્રે બાર વાગ્યા પછી પોલીસ મ્યુઝિક બંધ કરાવી શકે એવા ચાન્સિસ પૂરેપૂરા છે.

બૉમ્બે હાઈ ર્કોટે એના ચુકાદામાં બે જ વાતની સ્પષ્ટતા કરી છે : ૧) ન્યુ યરના દિવસે બાર અને રેસ્ટોરાં સવારે પાંચ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે અને ૨) વાઇન શૉપ રાતે એક વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મ્યુઝિક ચાલુ રાખવું કે નહીં એ વિશે ર્કોટના ચુકાદામાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

તાજેતરમાં પોલીસે ઑર્કેસ્ટ્રા બારઓનર્સને ન્યુ યરની આગલી રાત્રે શરૂ થનારા સેલિબ્રેશન દરમ્યાન સવારે પાંચ વાગ્યા સુધી મ્યુઝિક વગાડવાનો નનૈયો ભણી દેતાં આ વિશેની ગૂંચવણ સપાટી પર આવી હતી. પોલીસે સ્પષ્ટ કહી દીધું છે કે ઑર્કેસ્ટ્રા બાર્સ સવારે પાંચ વાગ્યા સુધી દારૂ અને જમવાનું પીરસી શકે છે, પરંતુ મ્યુઝિક નહીં વગાડી શકે.

ઑર્કેસ્ટ્રા બારઓનર્સ આ બાબતે અત્યંત નારાજ છે. તેમણે પોલીસ સાથે દલીલ કરી હતી કે જો અમે સવારે પાંચ વાગ્યા સુધી મ્યુઝિક નહીં વગાડીએ તો ગ્રાહકો અમારે ત્યાં દારૂ પીવા આવશે નહીં.

ર્કોટના ચુકાદામાં ઑર્કેસ્ટ્રા-બાર વિશે કોઈ સ્પષ્ટતા ન હોવાથી ઑર્કેસ્ટ્રા બારઓનર્સ એમ માની રહ્યા છે કે જો તેમને સવારે પાંચ વાગ્યા સુધી બાર ચાલુ રાખવાની છૂટ હોય તો પછી મ્યુઝિક વગાડવાની પણ છૂટ હોય એ સ્વાભાવિક છે.

પોલીસ દ્વારા છેલ્લી ઘડીની હેરાનગતિ ટાળવા માટે તેમણે મંગળવારે બૉમ્બે હાઈ ર્કોટના દરવાજા ખખડાવી ઑર્કેસ્ટ્રા ચાલુ રાખવું કે નહીં એ વિશે સ્પષ્ટતા કરવાની માગણી કરી હતી. ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશનના મેમ્બર ભરત ઠાકુરે કહ્યું હતું કે ‘અમને રાતના દોઢ વગ્યા સુધી મ્યુઝિક વગાડવાની પોલીસે છૂટ આપી છે. અમને પણ ફાઇવસ્ટાર હોટેલોની માફક સવાર સુધી મ્યુઝિક વગાડવાની છૂટ મળવી જોઈએ.’

ભાયખલાના એક ઑર્કેસ્ટ્રા બારઓનરે કહ્યું હતું કે ‘ગયા વખતે અમે સવારે પાંચ વાગ્યા સુધી મહિલા વેઇટરો પાસે કામ કરાવડાવાની છૂટ માગી નારાજગી વહોરી હતી. આથી આ વખતે અમે આ વિશે પરવાનગી ન માગીને માત્ર સવારે પાંચ વાગ્યા સુધી બાર ચાલુ રાખવાની પરવાનગી મેળવી, પરંતુ પોલીસે હવે મ્યુઝિક વગાડવાનો ઇનકાર કરી દેતાં એક નવી સમસ્યા ઊભી થઈ છે.’