થર્ટીફર્સ્ટે ટ્રાફિક પોલીસ પીપીઈ કિટ, ગ્લવ્ઝ અને ફેસશીલ્ડમાં ફરજ બજાવશે

31 December, 2021 11:39 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

કોરોના વાઇરસના વધતા જતા કેસ સામે થાણે પોલીસ અલર્ટ મોડ પર : ૩૬ સ્ક્વૉડ સાથે ચેકિંગ કરશે

ફાઈલ તસવીર

લાંબા સમય બાદ થર્ટીફર્સ્ટની ઉજવણી કરવાના મૂડમાં લોકો હતા, પરંતુ તંત્રએ અનેક બંધનો લાદી દીધાં છે. કોરોનાના વધતા જતા સંક્રમણથી મુંબઈ ફરી એક વખત ચિંતામાં આવી ગયું છે ત્યારે ટ્રાફિક પોલીસ પણ અલર્ટ મોડ પર આવીને પોતાની ફરજ બજાવશે. થર્ટીફર્સ્ટફની રાતે પીપીઈ કિટ, ગ્લવ્ઝ અને ફેસશીલ્ડ પહેરીને ફરતું કોઈ દેખાય અને તમારી તપાસ કરે તો ગભરાઈ ન જતા. કોરોના સંક્રમણ અને એની સાથે વધતા ઓમાઇક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને થર્ટીફર્સ્ટની રાતે ટ્રાફિક પોલીસ કોવિડના નિયમોનું પાલન કરીને દારૂડિયાઓને શોધી કાઢવાની છે. ટ્રાફિકના નવા નિયમો મુજબ હવે ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના દંડરૂપે દસ હજાર રૂપિયા ચૂકવવા પડશે. 
થાણે ટ્રાફિક પોલીસ શાખાના ડીસીપી બાળાસાહેબ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘થટીફર્સ્ટની ઉજવણી બાદ કે ઉજવણી કરવા લોકો કોઈ ને કોઈ બહાને મોટી સંખ્યામાં કાર લઈને નીકળતા હોય છે. અનેક કિસ્સામાં તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને ડ્રક ઍન્ડ ડ્રાઇવ કરીને પોતાની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. એથી આવા લોકોની તપાસ કરવા પોલીસ ઓમાઇક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરશે. વિવિધ ચેકપોસ્ટ પર ટ્રાફિક પોલીસની સ્ક્વૉડ તહેનાત કરવામાં આવશે. પ્રત્યેક સ્ક્વૉડમાં એક પોલીસ અધિકારી અને એક કર્મચારી હશે. ફરજ બજાવતી વખતે કોરોના સંક્રમિત ન થાય એ માટે તેઓ પીપીઈ કિટ, ફેસશીલ્ડ અને ગ્લવ્ઝ પહેરીને તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને તપાસ કરશે. નાકાબંધી વખતે ડિન્ક ઍન્ડ ડ્રાઇવની તપાસ કરવા બ્રેથ-ઍનૅલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે. આ બ્રેથ-ઍનૅલાઇઝર મશીનમાં ડિસ્પોઝેબલ નળી બેસાડવામાં આવી છે અને પ્રત્યેક વાહનચાલકની તપાસ કર્યા બાદ આ નળીને ડિસ્પોઝ કરીને નળી ફરીથી નવી લેવામાં આવશે જેથી કોરોનાનું સંક્રમણ થાય નહીં. થર્ટીફર્સ્ટની ઉજવણીમાં લોકો ભાન ભૂલીને મોજમસ્તી કરવા રસ્તા પર ન આવે એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. એ અનુસાર પોલીસ સાંજથી બીજા દિવસે વહેલી સવાર સુધી પોતાની ડ્યુટી નિભાવવાની છે અને એ દરમિયાન કોવિડના નિયમોનું પાલન કરવામાં આવશે.’

૧૦,૦૦૦ હજારનો ફાઇન
દર વર્ષે કાયદા અનુસાર ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના કેસમાં પકડાય તો દંડરૂપે બે હજાર રૂપિયા દંડ લેવામાં આવતો હતો, પરંતુ ટ્રાફિકના કાયદાઓમાં થયેલા નિયમોના બદલાવ બાદ હવે ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવ કેસમાં પકડાયા તો ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. 

mumbai mumbai news new year mumbai traffic preeti khuman-thakur