હાઈ-પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં રોજેરોજ આવી રહ્યા છે નવા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન

25 October, 2021 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે કૂઝ ડ્રગ્સ કેસના મુખ્ય સાક્ષીના બૉડીગાર્ડે કેસ દબાવવા માટે શાહરુખ ખાન પાસેથી ૨૫ કરોડની માગણી કરવામાં આવી હોવાનો દાવો કરતાં ખળભળાટ

કિરણ ગોસાવી

ગાંધી જયંતીએ એટલે કે બીજી ઑક્ટોબરથી દેશભરમાં ગાજી રહેલા ક્રૂઝ ડ્રગ્સ મામલામાં ગઈ કાલે ખળભળાટ મચાવી દેનારો દાવો આ કેસના સાક્ષીના બૉડીગાર્ડે કર્યો હતો. કેસના મુખ્ય સાક્ષી કિરણ ગોસાવીએ શાહરુખ ખાન પાસેથી ૨૫ કરોડ રૂપિયાની માગણી કરી હતી. બાદમાં ૧૮ કરોડમાં ડીલ થઈ હતી. આ સિવાય પોતાની પંચ તરીકે કોરા કાગળો પર સહી લેવામાં આવી હોવાનો આરોપ પણ બૉડીગાર્ડે એનસીબીની ટીમ સામે લગાવ્યો છે. આ મામલે મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાન નવાબ મલિક ઉપરાંત શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે બીજેપી સામે નિશાન તાક્યું હતું.

ક્રૂઝમાં આયાજિત કરાયેલી ડ્રગ્સ પાર્ટી પહેલાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ બીજી ઑક્ટોબરની સવારે હાથ ધરેલી કાર્યવાહીમાં કિરણ ગોસાવી મુખ્ય સાક્ષી હતો જે અત્યારે ફરાર છે. તેના બૉડીગાર્ડ પ્રભાકર સાઇલે દાવો કર્યો છે કે આ કેસને દબાવવા માટે તેણે કિરણ ગોસાવીને કોઈક સાથે ફોન પર એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને ૮ કરોડ રૂપિયા આપવાની વાત કરતા સાંભળ્યા હતા.

કોર્ટમાં સબમિટ કરવામાં આવેલા પાંચ પાનાંના સોગંદનામામાં પ્રભાકર સાઇલે દાવો કર્યો છે કે કિરણ ગોસાવીએ બીજી ઑક્ટોબરની સવારે તેને એનસીબીની ઑફિસ પહોંચવાનું કહ્યું હતું. બીજી ઑક્ટોબરની સાંજે કાર્ડેલિયા ક્રૂઝમાં પાર્ટી થવાની હતી. એ સમયે કિરણ ગોસાવી એનસીબીના અધિકારીઓ સાથે હતા. તેમણે પોતાને ક્રૂઝ નજીકના ગ્રીન ગેટ પાસે રાહ જોવાનું કહ્યું હતું. બપોરે ૧.૨૩ વાગ્યે કિરણ ગોસાવીએ વૉટ્‌સઍપમાં કેટલાક ફોટોગ્રાફ મોકલીને આ લોકો પર નજર રાખવાનું કહ્યું હતું અને ગ્રીન ગેટથી આમાંથી કોઈ ક્રૂઝમાં જવા માટે આવે તો જાણ કરવાની સૂચના આપી હતી. એ મુજબ એક વ્યક્તિ ૨૭૦૦ નંબરની બસમાં બેઠી હોવાની માહિતી મેં તેમને આપી હતી. એ પછી ૪.૨૩ વાગ્યે કિરણ ગોસાવીને રિપ્લાય કર્યું હતું કે મેં જે વ્યક્તિની માહિતી આપી હતી તેના સહિત કુલ ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સોગંદનામામાં પ્રભાકર સાઇલે વધુમાં નોંધ્યું છે કે કિરણ ગોસાવીએ બાદમાં તેને ફોન કરીને અંદર બોલાવ્યો હતો ત્યારે એક કૅબિનમાં આર્યન ખાન અને મુનમુન ધામેચા એનસીબીના અધિકારીઓ સાથે જોવા મળ્યાં હતાં. આર્યન ખાનને એનસીબીની ઑફિસે લઈ જવાયો હતો ત્યારે પોતે પણ ગયો હતો. આ સમયે પંચ તરીકે એનસીબીના અધિકારીએ ૧૦ કોરા કાગળ પર પોતાની સહી કરાવડાવી હતી. રાત્રે એક વાગ્યે કિરણ ગોસાવીએ પોતાને કોલ કરીને મારે પંચ તરીકે સહી કરવાની છે એટલે મને એનસીબી ઑફિસે પહોંચવાનું કહ્યું હતું. હું એનસીબીની ઑફિસે પહોંચ્યો ત્યારે સમીર વાનખેડેએ તેમના સ્ટાફને મારી સહી લેવાની સૂચના આપી હતી. બાદમાં કિરણ ગોસાવી એનસીબીની ઑફિસમાંથી બહાર નીકળ્યા હતા અને સૅમ ડિસોઝા નામની વ્યક્તિને મળ્યા હતા અને રૂપિયા સંબંધે ચર્ચા કરી હતી. અમે લોઅર પરેલ પહોંચ્યા હતા ત્યારે કિરણ ગોસાવી ફોન પર ૨૫ કરોડનો બૉમ્બ નાખવાનું કોઈકને કહી રહ્યા હતા. બાદમાં ૧૮ કરોડમાં ડીલ કરીને એમાંથી ૮ કરોડ સમીર વાનખેડેને આપવાનું કહેતા સાંભળવા મળ્યા હતા.

પ્રભાકર સાઇલે વધુમાં નોંધ્યું છે કે કિરણ ગોસાવી અને સૅમ ડિસોઝા વચ્ચે બાદમાં પણ મોબાઇલ પર વાત ચાલુ રહી હતી અને શાહરુખ ખાનની મૅનેજર પૂજા દાદલાનીને મળ્યા હતા. બાદમાં પોતાને તાડદેવ સિગ્નલ પાસે પહોંચીને ૫૦ લાખ રૂપિયા કલેક્ટ કરવાનું કિરણ ગોસાવીએ કહ્યું હતું. હું ૯.૪૫ વાગ્યે સિગ્નલ પર પહોંચ્યો હતો ત્યારે સફેદ રંગની ૫૧૦૨ નંબરની કાર આવીને મારી પાસે ઊભી રહી હતી અને મને કૅશ ભરેલી બે બૅગ આપી હતી, જે વાશીમાં પોતાના ઘરે લઈ ગયા બાદ કિરણ ગોસાવીને સોંપી હતી. કિરણ ગોસાવીએ બાદમાં આ રૂપિયા સૅમ ડિસોઝાને આપવાનું કહેતાં તેને ટ્રાઇડન્ટ હોટેલ પાસે સોંપ્યા હતા.

આટલા દિવસ કેમ ન બોલ્યો?

પ્રભાકર સાઇલે કહ્યું હતું કે પોતાને ફૅમિલી પ્રૉબ્લેમ હોવાથી તે ચૂપ રહ્યો હતો. મારી પાસે રહેવા માટે ઘર નથી. કિરણ ગોસાવીને ત્યાં ૨૪ કલાક ડ્યુટી કરીને તેમની સાથે જw હું રહેતો હતો. થોડા દિવસ બાદ મને પત્નીનો ફોન આવ્યો કે તેને પોલીસના ફોન આવી રહ્યા છે. મને ડર લાગ્યો કે મારી ફૅમિલી પાસે શા માટે પોલીસ આવે છે? અત્યારે હું સ્વાભિમાન રિપબ્લિક પાર્ટીના સ્થાપકની છત્રછાયામાં છું. આટલા દિવસમાં મારો કોઈનો સંપર્ક નથી થયો. આ કેસમાં હું પંચ બન્યો હોવાથી ડર લાગી રહ્યો છે. સમીર વાનખેડેથી મને જોખમ છે.

વાઇરલ વિડિયો સામે સવાલ

ડ્રગ્સ મામલામાં સાક્ષી કિરણ ગોસાવીના મોબાઇલથી આર્યન ખાન કોઈક સાથે ફોન પર વાતચીત કરી રહ્યો હોય એવો વિડિયો સંજય રાઉતે ગઈ કાલે શૅર કર્યો હતો. આર્યન કોની સાથે મોબાઇલ પર વાત કરી રહ્યો છે એવો સવાલ ઊભો થયો છે. આ વિડિયોમાં બ્લૅક કલરનાં કપડાં પહેરેલો એક યુવક પણ બૅકગ્રાઉન્ડમાં દેખાય છે. આ બાબતે બીજેપીના નેતા મોહિત કમ્બોજે સંજય રાઉતને કહ્યું હતું કે તમે આ વિડિયો ડિલીટ નહીં કરતા. ‘આ વ્યક્તિ કોણ છે? કયા પક્ષના નેતા, અભિનેતા અને પ્રધાન સાથે તેના સંબંધ છે? સંજય રાઉતજી જવાબ આપો?’ એવો સવાલ મોહિત કમ્બોજે કરેલી ટ્‌વીટમાં કર્યો છે. સંજય રાઉતે પ્રભાકર સાઇલે એનસીબી સામે કરેલા આરોપ બાબતે ટ્‌વીટ કર્યું હતું કે મહારાષ્ટ્રને કોઈ પણ રીતે બદનામ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાની મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરેલી વાત આજે સાચી લાગી રહી છે એટલે આ મામલે તપાસ થવી જોઈએ.

એનસીબી અને વાનખેડેને પાંજરામાં ઊભા કરવાનો પ્રયાસ

રાજ્યના વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરે બૉડીગાર્ડ પ્રભાકર સાઇલનું સોગંદનામું અને સોશ્યલ મીડિયામાં વાઇરલ કરાયેલા વિડિયો બાબતે કહ્યું હતું કે ‘એનસીબી અને સમીર વાનખેડેને કોઈ પણ રીતે આરોપીના પાંજરામાં ઊભા રાખવાનો આ પ્રયાસ છે. વિરોધીઓ દ્વારા ગમે તેમ કરીને આ મામલામાં કનેક્ટ કરવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે. બૉડીગાર્ડ આટલા દિવસ કેમ ચૂપ હતો અને તે ક્યાં હતો?’

એનસીબીના ડિરેક્ટર જનરલને સોગંદનામું મોકલાયું

કિરણ ગોસાવીના બૉડીગાર્ડ પ્રભાકર સાઇલે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામા બાબતે એનસીબી, મુંબઈના ડીડીજી એસડબ્લ્યુઆર મુથા અશોક જૈને ગઈ કાલે પ્રેસનોટ જાહેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે મુંબઈ ઝોનલ યુનિટના કેસ નંબર ૯૪/૨૦૨૧ના સાક્ષી પ્રભાકર સાઇલે કોર્ટમાં સોગંદનામું સોશ્યલ મીડિયાના માધ્યમથી દાખલ કર્યું છે. પ્રભાકર સાઇલ આ કેસના સાક્ષી છે અને કેસ અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તેણે સોશ્યલ મીડિયાને બદલે સીધું કોર્ટમાં સોગંદનામું આપવું જોઈતું હતું. તેણે કરેલા તમામ આરોપ મુંબઈ ઝોનલ યુનિટના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ફગાવી દીધા છે. સોગંદનામાની કેટલીક માહિતી તપાસ કરવાને લાયક હોવાથી હું આ સોગંદનામું ડિરેક્ટર જનરલ ઑફ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોને મોકલી રહ્યો છું અને તેમને આ મામલે પગલાં લેવાની વિનંતી કરી છે.

મારી સામે કાવતરું ઘડાઈ રહ્યું છે, મારી સામે કાર્યવાહી ન કરો : સમીર વાનખેડે

એનસીબી દ્વારા ડ્રગ્સ મામલામાં ચાલી રહેલી તપાસમાં રાજકીય પક્ષો દ્વારા પોતાના પર સતત હુમલો કરાઈ રહ્યો છે ત્યારે તેમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાની વિનંતી કરતો પત્ર સમીર વાનખેડેએ ગઈ કાલે રાજ્યના પોલીસવડા સંજય પાંડે અને મુંબઈના પોલીસ કમિશર હેમંત નગરાળેને લખ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું છે કે ‘મારી સામે ડ્રગ્સ કાર્યવાહી મામલામાં ખોટી રીતે અડચણો ઊભી કરાઈ રહી છે અને મને ફસાવવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. મારી સામે કોઈ કાર્યવાહી ન કરતા. આર્યન ખાનની તપાસ મારા ઉપરી અધિકારીઓ પાસે છે.’

mumbai mumbai news aryan khan Shah Rukh Khan