ડ્રગ્સ કેસમાં નવો વળાંક, NCB ઓફિસર સમીર વાનખેડેની લાંચના આરોપોસર તપાસ શરૂ થઈ

25 October, 2021 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાક્ષી દ્વારા લાંચ આપવાના આરોપો બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની વિજિલન્સ ટીમે સમીર વાનખેડેની આંતરિક તપાસ શરૂ કરી છે.

NCB ઓફિસ. ફાઇલ તસવીર

ડ્રગ્સ પાર્ટી કેસમાં સોમવારે કોર્ટમાં બે સોગંદનામા દાખલ કરવામાં આવ્યા હતા, જેની સુનાવણી સેશન્સ કોર્ટે કરી હતી. એક સોગંદનામું નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય સોગંદનામું NCB અધિકારી સમીર વાનખેડે દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું. દરમિયાન, સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી છે અને NCBએ ભ્રષ્ટાચારના આરોપમાં તપાસ શરૂ કરી છે.

સાક્ષી દ્વારા લાંચ આપવાના આરોપો બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની વિજિલન્સ ટીમે સમીર વાનખેડેની આંતરિક તપાસ શરૂ કરી છે. દિલ્હી મુખ્યાલયે મુંબઈની ઓફિસમાંથી NCB સામેના આરોપોનો સંપૂર્ણ રિપોર્ટ મંગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે NCBના ચીફ વિજિલન્સ ઓફિસર જ્ઞાનેશ્વર સિંહ આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના વકીલ અદ્વૈત સેઠનાએ જણાવ્યું હતું કે “તપાસને ભટકાવવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ માટે, સાક્ષીઓને પ્રભાવિત કરીને અને ક્યારેક તેમને ધમકી આપીને તપાસ પ્રભાવિત થઈ રહી છે.”

NCB ઓફિસર સમીર વાનખેડેએ એફિડેવિટમાં કહ્યું કે “મારા પરિવારને ધમકી આપવામાં આવી રહી છે અને આજે પણ સોશિયલ મીડિયા પર મારા અંગત નામ વિશે પોસ્ટ કરવામાં આવી છે. કેસના સાક્ષીઓ સામે આવી રહ્યા છે અને તપાસને બીજી તરફ વાળવાના પ્રયાસો થઈ રહ્યા છે. હું આ મામલે કોઈપણ તપાસ માટે તૈયાર છું. સમીર વાનખેડેએ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને વિનંતી કરી હતી કે તપાસમાં અવરોધ અને ધમકી આપવાના તેમના પ્રયાસો અંગે નોંધ લેવામાં આવે.

ડ્રગના કેસમાં NCBના આરોપોથી ઘેરાયેલા આર્યન ખાનના કેસમાં ગઈકાલે એક નવો વળાંક આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં ખંડણીનો દાવો કરવામાં આવી રહ્યો છે અને દાવેદાર તે વ્યક્તિ છે જેને NCB દ્વારા સાક્ષી બનાવવામાં આવ્યો હતો. પ્રભાકર સેલનો આરોપ છે કે NCBએ તેને કોરા કાગળ પર સહી કરાવી અને આર્યનને છોડવા માટે 18 કરોડમાં સોદો થયો હતો. સમીર વાનખેડેએ આરોપોને નકાર્યા છે.

પ્રભાકર સેલનો પહેલો આરોપ છે કે સાક્ષી બનાવવા સાદા કાગળ પર તેમની સહી કરવામાં આવી હતી. બીજો આરોપ છે કે NCBએ પંચનામા પેપર કહીને સહી કરાવી લીધી હતી. ત્રીજો આરોપ છે કે 18 કરોડ રૂપિયાનો સોદો થયો હતો. ચોથો આરોપ છે કે સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા આપવાના હતા. ઉલ્લેખનીય છે કે પ્રભાકર કિરણ ગોસાવીનો બોડીગાર્ડ છે, જેનો આર્યન ખાન સાથેનો ફોટો સામે આવ્યો હતો અને વિવાદ થયો હતો. તેની સામે છેતરપિંડીના ઘણા કેસ નોંધાયેલા છે અને તે ફરાર છે.

mumbai news Narcotics Control Bureau NCB aryan khan