સીએસટીમાં બનશે નવો સબવે

13 September, 2012 04:28 AM IST  | 

સીએસટીમાં બનશે નવો સબવે




(શશાંક રાવ)

મુંબઈ, તા. ૧૩

સેન્ટ્રલ રેલવેના હેડક્વૉર્ટર સીએસટીને વલ્ર્ડ-ક્લાસ સ્ટેશન બનાવવાની યોજનાનું ભાવિ ધૂંધળું દેખાય છે ત્યારે પણ એનો રોજ ઉપયોગ કરનારા લાખો પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે કે અહીં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બીજો સબવે બાંધવામાં આવશે. સ્ટેશનમાંથી બહાર નીકળીને વેસ્ટ તરફ જતા લાખો લોકો જાનના જોખમે રસ્તો ક્રૉસ કરતા હતા એથી ૧૯૯૯માં ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે સબવે બાંધવામાં આવ્યો હતો જે આજે શહેરનો એક લૅન્ડમાર્ક છે. હવે સ્ટેશનમાંથી ઈસ્ટ તરફ જતા પ્રવાસીઓ માટે બીજો અન્ડરગ્રાઉન્ડ સબવે મુંબઈ સુધરાઈ અને રેલવે સત્તાવાળાઓના સહિયારા ઉપક્રમે બાંધવામાં આવશે.

આ નવો અન્ડરગ્રાઉન્ડ સબવે બનાવવાનો પ્લાન અને બ્લુપ્રિન્ટ્સ્ા તૈયાર થવાનાં બાકી છે, પણ આ સબવેને કારણે પીક-અવર્સમાં સ્ટેશનના ઈસ્ટ ભાગમાંથી બૅલાર્ડ એસ્ટેટ, જીપીઓ, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા, શૅરબજાર અને ડી. એન. રોડ તરફ જતા પ્રવાસીઓને હાલમાં જે તકલીફ પડે છે એમાંથી રાહત મળશે. ટ્રાન્સર્પોટના નિષ્ણાતો જણાવે છે કે આ સબવે બની જતાં સ્ટેશનની બહાર હાલમાં જે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એમાં ઘણી રાહત મળશે.

શું છે તકલીફ?

અત્યારે સ્ટેશનની ઈસ્ટમાંથી બહાર નીકળતા બહારગામની ટ્રેનોમાં પ્રવાસ કરનારા પૅસેન્જરો માટે ટૅક્સી-સ્ટૅન્ડ આવેલું છે. ટૅક્સીઓની લાઇનો, બાજુમાં આવેલા બેસ્ટના બસડેપોમાં આવતી અને જતી બસોને કારણે થતો ટ્રાફિક જૅમ અને રસ્તામાં ફેરિયાઓનો ત્રાસ છે એને કારણે પીક-અવર્સમાં ભારે ભીડ થાય છે.

શું થશે ફાયદો?

આ સબવે ર્ફોટ તરફ બહાર ખૂલશે અને એ જમીનમાં ૧૦ મીટર નીચે હશે. ડી. એન. રોડ પર એ હાલમાં જ્યાં સુલભ શૌચાલય આવેલું છે ત્યાં ખૂલશે. આ સબવેના કેટલા એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ હશે એ હજી નક્કી નથી, પણ રોડની બન્ને તરફ બે-બે એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ આપવાની વિચારણા થઈ રહી છે.

સેન્ટ્રલ રેલવેના અધિકારીઓની સુધરાઈના અધિકારીઓ સાથે પહેલા રાઉન્ડની બેઠક થઈ ચૂકી છે. સેન્ટ્રલ રેલવેના ડિવિઝનલ રેલવે-મૅનેજર મુકેશ નિગમે કહ્યું હતું કે આ સબવે બાબતે અમે જાતે સુધરાઈના કમિશનર સીતારામ કુંટે સાથે વાત કરી છે અને તેઓ જરૂરી મદદ કરવા તૈયાર છે.

જૂનો સબવે

હાલમાં જે સબવે છે એ ૧૯૯૯ના સપ્ટેમ્બર મહિનામાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ૨૮૭૦ મીટર લાંબો આ સબવે સીએસટી સ્ટેશનના વેસ્ટ હિસ્સાથી શરૂ થઈને સુધરાઈના મુખ્યાલય, આઝાદ મેદાન અને સ્ટલિંર્ગ સિનેમા સુધી જાય છે.


સીએસટી = છત્રપતિ શિવાજી ટર્મિનસ, ડી. એન. = દાદાભાઈ નવરોજી, જીપીઓ = જનરલ પોસ્ટ ઑફિસ