નવી મુંબઈના APMC માર્કેટમાં લાઇટના અવિરત પ્રૉબ્લેમથી વેપારીઓ ત્રસ્ત

26 November, 2014 05:33 AM IST  | 

નવી મુંબઈના APMC માર્કેટમાં લાઇટના અવિરત પ્રૉબ્લેમથી વેપારીઓ ત્રસ્ત


નવી મુંબઈના APMC માર્કેટનાં અમુક સેક્ટરોમાં ઘણા લાંબા સમયથી લાઇટો જવાની સમસ્યાથી વેપારીઓ કંટાળી ગયા છે. આ સિવાય આ માર્કેટમાં શરૂ કરવામાં આવેલું રોડનું રિનોવેશન ખૂબ જ ધીમી ગતિએ ચાલતું હોવાથી વેપારીઓને હેરાનગતિ થઈ રહી છે. આ સમસ્યા અને મુદ્દાઓને લઈને ગઈ કાલે વેપારીઓ નવી મુંબઈ કૉમોડિટી વેલ્ફેર અસોસિએશનના અધ્યક્ષ અરુણ ભિંડેના નેતૃત્વ હેઠળ એક ડેલિગેશન લઈને APMCના અધિકારીઓને મળવા ગયા હતા. આ ડેલિગેશને આ અધિકારીઓને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે ૨૫ ડિસેમ્બર સમય સુધીનો સમય આપ્યો છે, નહીંતર આ બાબતની રાજ્ય સરકારમાં ફરિયાદ કરવામાં આવશે એવો તેમણે અધિકારીઓને નર્દિશ આપ્યો હતો.

આ માહિતી આપતાં અરુણ ભિંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘APMC માર્કેટમાં લાઇટો જવાની સમસ્યા માર્કેટનું સ્થળાંતર થયું એ દિવસથી જ છે. પચીસ વર્ષ પછી પણ આ સમસ્યામાં તસુભારનો ફરક નથી પડ્યો. વેપારીઓનાં આંદોલનો અને ધમકીઓ પછી છેલ્લાં ત્રણ વર્ષથી રોડનું રિનોવેશન ચાલી રહ્યું છે. એમાં પણ હજી કોઈ જ ભલીવાર નથી. આ કામ એટલું સ્લો ચાલે છે કે વેપારીઓ એનાથી ત્રાસી ગયા છે. પહેલાંની રાજ્ય સરકાર સમક્ષ પણ આ ફરિયાદો અમે કરી ચૂક્યા છીએ, પણ એનો કોઈ જ ઉકેલ આવ્યો નથી.’

આ ફરિયાદનો પ્રત્યુત્તર આપતાં APMCના અધિકારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લાઇટોની બાબતમાં તો વેપારીઓની જ ભૂલ છે. તેમણે તેમના ફાયદા પ્રમાણે MSEBના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને પાવરની લાઇનો લીધી છે, જેને લીધે કેબલ પર લોડિંગ વધવાથી લાઇટો જવાની સમસ્યા સર્જાય છે, જેના માટે વેપારીઓએ MSEBના અધિકારીઓ સાથે જ નિપટવાનું રહેશે. અમે અમારા તરફથી પૂરતો સહકાર આપીશું, પણ આખરે એ સમસ્યાનું નિરાકરણ MSEB પાસે જ છે.’

રસ્તાના રિનોવેશનની બાબતમાં આ અધિકારીઓએ કહ્યું હતું કે ‘અમારે વેપારીઓના બિઝનેસનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે અમે મોટા-મોટા પૅચ પર કામ કરવા અસમર્થ છીએ. અમારે નાના-નાના પૅચ જ કરવા પડે, જેને લીધે કામ સ્લો ચાલે છે એવું વેપારીઓને લાગે છે. અમે જો રોડને લાંબા અંતર સુધી ખોદી નાખીશું તો એની સીધી અસર વેપારીઓના બિઝનેસ પર થશે, જે અમે નથી ઇચ્છતા. ચોમાસામાં કામ નથી થઈ શકતું એટલે સમય વધારે જઈ રહ્યો છે. વેપારીઓએ અમને સાથ આપવો જરૂરી છે.’