મીરા-ભાઈંદરમાં કોરોનાના વધતા ડેથ રેટને કાબૂમાં લેવા નવી હૉસ્પિટલ

11 October, 2020 11:42 AM IST  |  Mumbai | Mumbai correspondent

મીરા-ભાઈંદરમાં કોરોનાના વધતા ડેથ રેટને કાબૂમાં લેવા નવી હૉસ્પિટલ

મીરા રોડના ક્વીન્સ પાર્ક વિસ્તારમાં શરૂ કરાયેલી કોવિડ હૉસ્પિટલ.

મુંબઈ અને થાણે બાદ મીરા-ભાઈંદરમાં પણ કોરોના વાઇરસના ફેલાવામાં ઝડપથી વધારો થતાં અહીં ગઈ કાલ સુધી ૨૦,૧૩૭ કેસ નોંધાવાની સાથે ૬૨૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. કોરોનાના કેસ નોંધાવાની સામે ૩.૯ ટકા જેટલો ઊંચો મૃત્યુદર હોવાથી ક્રિટિકલ પેશન્ટ્સ માટે વૅન્ટિલેટર અને આઇસીયુની સુવિધાવાળી હૉસ્પિટલની જરૂરિયાત ધ્યાનમાં આવતાં પાલિકા-પ્રશાસને મીરા રોડના ક્વીન્સ પાર્ક વિસ્તારમાં આવી ૮૦ બેડની કોવિડ હૉસ્પિટલ ઊભી કરી છે, જેમાં ૪૦ બેડમાં વૅન્ટિલેટર અને ૪૦ બેડ આઇસીયુના છે. ગુરુવારે આ હૉસ્પિટલ સામાન્ય દરદીઓ માટે ખુલ્લી મુકાઈ હતી.
મીરા-ભાઈંદરમાં શરૂઆતથી અત્યાર સુધી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ ૧૭૫થી ૨૨૫ જેટલા નવા કેસ આવી રહ્યા છે. પાલિકા-પ્રશાસને ભાઈંદરમાં પંડિત ભીમસેન જોષી હૉસ્પિટલને કોવિડમાં કન્વર્ટ કરી છે, પરંતુ કેસની સંખ્યામાં સતત વધારો થવાની સાથે ક્રિટિકલ દરદીઓ માટે બેડ ઉપલબ્ધ કરાવવાની સમસ્યા સામે આવી હતી. આ સિવાય અત્યાર સુધી ૬૨૩ કોવિડ પેશન્ટ્સનાં મૃત્યુ થયાં છે. ભવિષ્યમાં લોકોને સ્થાનિક સ્તરે જ કોવિડની ઉત્તમ સુવિધા મળે એવી હૉસ્પિટલ શરૂ કરવાની માગણી સ્થાનિક પ્રતિનિધિઓથી લઈને અનેક સંસ્થાએ કરી હતી.
આથી પાલિકાએ મીરા રોડમાં ક્વીન્સ પાર્ક વિસ્તારમાં આવેલા પદ્મભૂષણ અપ્પાસાહેબ ધર્માધિકારી સભાગૃહમાં ૮૦ બેડની હૉસ્પિટલ શરૂ કરી છે, જેનું ગુરુવારે મેયર જ્યોત્સ્ના હસનાળે, વિધાનસભ્યો ગીતા જૈન અને પ્રતાપ સરનાઇકના હાથે ઉદ્‌ઘાટન કરાયું હતું.
મેયર જ્યોત્સ્ના હસનાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાનાં સામાન્ય લક્ષણ ધરાવતા પેશન્ટ્સની સારવાર પાલિકાની બીજી હૉસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં થઈ શકે છે, પરંતુ ક્રિટિકલ સ્ટેજ પર પહોંચી ગયેલા પેશન્ટ્સની ટ્રીટમેન્ટ માટે વૅન્ટિલેટરની સાથે ઑક્સિજનની સુવિધાવાળી હૉસ્પિટલની જરૂરિયાત હોવાથી અમે ૮૦ બેડની આ હૉસ્પિટલ ઊભી કરી છે. અહીં ઑક્સિજન, આઇસીયુ અને વૅન્ટિલેટરની સુવિધા હોવાથી પેશન્ટને તાત્કાલિક સારવાર મળવાથી તેનો જીવ બચાવી શકાશે.’
ઉલ્લેખનીય છે કે આ નવી કોવિડ હૉસ્પિટલમાં લિક્વિડ ઑક્સિજન પ્લાન્ટ અને સેન્ટ્રલ ઑક્સિજન, એક્સ-રે, સારી ક્વૉલિટીનું ભોજન અને સ્વતંત્ર બાથરૂમ અને ટૉસલેટની સુવિધાની સાથે ૨૪ કલાક ડૉક્ટરો, તબીબી નિષ્ણાતો રહેશે. તમામ સુવિધાની જવાબદારી મે. ઓમ સાંઈ આરોગ્ય કૅર નામની કંપનીને પાલિકાએ સોંપી છે.

mumbai mumbai news mira road bhayander