હૉકર્સ બનશે સુપર-સ્પ્રેડર

20 February, 2021 08:00 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

હૉકર્સ બનશે સુપર-સ્પ્રેડર

કોરોના નિયંત્રણમાં આવ્યા બાદ ફરી એક વખત એનો ગ્રાફ દિવસે-દિવસે ઉપર જઈ રહ્યો હોવાથી બીએમસીએ કડક વલણ અપનાવીને સ્ટ્રિક્ટ ઍકશન લેવાની તૈયારી કરી છે અને એની અમલબજાવણી પણ કરી રહ્યું છે. રેલવે-સ્ટેશન, લોકલ, સાર્વજનિક જગ્યા, લગ્નપ્રસંગ, ક્લબ, રેસ્ટોરાં, રસ્તાઓ જેવી તમામ જગ્યાએ બીએમસીના અધિકારીઓ, કર્મચારીઓ અને માર્શલનો સ્ટાફ ચાંપતી નજર રાખે છે અને માસ્ક વગરના લોકોને તરત જ પકડીને ફાઇન કરી રહ્યો છે. જોકે જેઓ કોરોનાના સુપર-સ્પ્રેડર બની શકે એમ છે એવા મુંબઈના હૉકર્સ પર કેમ કોઈની નજર જઈ રહી નથી? જેટલો સામાન્ય લોકોને દંડ અને કાર્યવાહીનો ભય દેખાડવામાં આવી રહ્યો છે એવો ભય હૉકર્સને કેમ દેખાડવામાં આવી રહ્યો નથી એવો પ્રશ્ન નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. એક હૉકર્સ દિવસમાં સેંકડો લોકોના સંપર્કમાં આવે છે.

કોરોનાની સ્પીડ વધી રહી હોવાથી મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. બીએમસીના તમામ વર્ગના અધિકારીઓએ અને કર્મચારીઓએ ફરી એક વખત કમર કસી છે ત્યારે ‘મિડ-ડે’એ મુંબઈના અનેક વિસ્તારોમાં તપાસ કરતાં જોવા મળ્યું કે રસ્તા પર બેસતા અને દિવસના અનેક લોકોના સંપર્કમાં આવતા મોટા ભાગના ફેરિયાઓ બિન્દાસ માસ્ક વગર બેસેલા જોવા મળી રહ્યા છે.

રસ્તાઓ પર પોલીસ, માર્શલ અને બીએમસીનો સ્ટાફ ફરતો દેખાતો જોવા મળે છે; પરંતુ તેમની નજર રસ્તા પર જ ઊભેલા ફેરિયાઓ પર કેમ જતી નથી? આ પ્રશ્ન કરતાં સમાજસેવાનું કામ કરતા ગિરીશ બારાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કામકાજને લઈને હું દરરોજ મુંબઈ જાઉં છું. રસ્તા પરના પાણીપૂરીવાળા હોય અથવા ખાણી-પીણી વેચતા, ફળો વેચતા કે અન્ય કોઈ વસ્તુઓ વેચતા મોટા ભાગના ફેરિયાઓ માસ્ક વગર ફરતા અને વસ્તુઓ વેચતા જોવા મળે છે. અમુક જણે તો માસ્ક પહેર્યો હોય તો પણ નીચે રાખતા હોય છે.’

લોકો નહીં સુધરે એવું લાગે છે

બીએમસી સખત તો થઈ, પરંતુ લોકો સુધરશે નહીં એવું પણ જોવા મળી રહ્યું છે. બીએમસી દ્વારા વિવિધ માધ્યમોથી વિનંતી કરીને કાર્યવાહીનો ડર દેખાડવા છતાં ટ્રેનમાં ભીડ ન હોય એ વખતે પ્રવાસ કરતા અનેક પ્રવાસીઓ માસ્ક કાઢીને કે માસ્ક નીચે રાખીને પ્રવાસ કરતા જોવા મળે છે તેમ જ રસ્તાઓ પર પણ ભીડમાં ખરીદી કરતા પણ લોકો નજરે ચડે છે.

mumbai mumbai news coronavirus covid19 preeti khuman-thakur