ભાઇંદર રેલવે-સ્ટેશને લાગ્યાં નવાં સીવીએમ

22 November, 2012 06:51 AM IST  | 

ભાઇંદર રેલવે-સ્ટેશને લાગ્યાં નવાં સીવીએમ



ભાઈંદર રેલવે ટિકિટ-વિન્ડો પર મહિનાથી બંધ પડેલાં અને પ્રવાસીઓ માટે ત્રાસજનક કૂપન વેલિડેટિંગ મશીનને કાઢીને તેને સ્થાને નવા સીવીએમ લગાવવામાં આવ્યા હોવાથી પ્રવાસીઓએ રાહત અનુભવી છે. આ સીવીએમ બંધ હોવાથી પ્રવાસીઓને અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ તથા સિનિયર સિટિઝનોને ભારે હેરાનગતિ થતી હતી, પણ હવે એ શરૂ થતાં પ્રવાસીઓએ આ કામ માટેનું શ્રેય આપતાં મિડ-ડે LOCALનો આભાર માન્યો હતો.

ભાઈંદર સ્ટેશનની ટિકિટ-વિન્ડો પર નજર નાખો તો કાયમ ભારે ભીડ જોવા મળતી હોય છે. તેથી પ્રવાસીઓ સીવીએમ અને એટીવીએમ મશીનનો ઉપયોગ કરે છે. જોકે છેલ્લા કેટલાય મહિનાઓથી આ મશીન બંધ પડીને સડી રહ્યાં હતાં. રેલવે દ્વારા આ બાબતે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા તેથી પ્રવાસીઓએ કંટાળીને મિડ-ડે LOCALને આ વિશે જાણ કરી હતી.

અંતે સીવીએમ શરૂ થતાં સિનિયર સિટિઝનોએ રાહત અનુભવી છે એમ જણાવતાં જવાહરલાલ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ભાઈંદર રેલવે-સ્ટેશન પ્રવાસની દૃષ્ટિએ ખૂબ મહkવનું રેલવે-સ્ટેશન ગણાય છે. એમ છતાં કેટલાય વખતથી ભાઈંદર રેલવે-સ્ટેશનનાં સીવીએમ બંધ પડીને સડી રહ્યાં હતાં. લોકોએ કૂપન પર સ્ટૅમ્પ મારવો પડતો હતો એટલે લાંબો સમય આ સ્ટૅમ્પ લગાડવા વેડફવો પડતો હતો, પણ અંતે મિડ-ડે LOCALમાં ૧૩ નવેમ્બરના અંકમાં આ વિશે અહેવાલ આવ્યા બાદ આ મશીનો શરૂ થઈ ગયાં છે. ભાઈંદર સ્ટેશનની ચર્ચગેટ સાઇડની સૌથી મોટી ટિકિટ-વિન્ડો પાસે ચાર કૂપન મશીન મૂકેલાં, જેમાંથી બે મશીન તો હતાં જ નહીં અને બીજાં બે મશીન બંધ પડ્યાં હતાં. એને બદલે હવે ચારેય નવાં મશીનો આવી ગયાં છે. જ્યાં મશીન હતાં નહીં ત્યાં પણ નવાં મશીનો મૂકવામાં આવ્યાં છે તેમ જ વિરાર સાઇડની ટિકિટ-વિન્ડો પાસે રહેલું કૂપન મશીન પણ શરૂ થતાં અમારા જેવા સિનિયર સિટિઝન અને મહિલાઓએ ખૂબ રાહત અનુભવી છે. તેથી ભાઈંદરના બધા રેલવે પ્રવાસીઓ દ્વારા મિડ-ડે LOCALને ખાસ ધન્યવાદ.’

એટીવીએમ = ઑટોમેટેડ ટિકિટ વેન્ડિંગ મશીન, સીવીએમ= કૂપન વૅલિડેટિંગ મશીન