ન્યુ આદર્શ વિલાની ચારે બાજુ આવેલી ગટરો છ મહિનાથી ઊભરાય છે

12 December, 2012 07:32 AM IST  | 

ન્યુ આદર્શ વિલાની ચારે બાજુ આવેલી ગટરો છ મહિનાથી ઊભરાય છે


સોસાયટીમાં રહેતા લોકોને આવી ગંદકી અને રોજ-રોજ ઊભરાતી ગટરોને કારણે ડેન્ગીના રોગના ભોગ બનવાનો ભય છે. સોસાયટીના મેમ્બરો દ્વારા આ સમસ્યા બાબતે સુધરાઈને ઘણી ફરિયાદો કર્યા પછી પણ હજી સુધી સુધરાઈ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

ડ્રેનેજની સમસ્યા વિશે જણાવતાં ન્યુ આદર્શ વિલા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચૅરમૅન રામજી ચોટલિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા છ મહિનાથી અમારી સોસાયટીમાં આવેલી ગટરો ઊભરાય છે અને એના કારણે દિવસ-રાત ખૂબ જ ગંદી વાસ આવે છે. અમારી સોસાયટી નીચાણવાળા ભાગમાં આવેલી હોવાથી ગંદા પાણીના નિકાલની મુખ્ય લાઇન અમારી સોસાયટીમાં આવેલી ડ્રેનેજ લાઇનને કનેક્ટ કરે છે, પરંતુ મુખ્ય લાઇનને ઘણા લાંબા સમયથી સાફ કરવામાં ન આવતાં એ ચોક-અપ થઈ ગઈ છે. એનું ગંદું પાણી અમારી સોસાયટીના ગ્રાઉન્ડમાં છેલ્લા છ મહિનાથી ઊભરાય છે. સુધરાઈનું આ બાબતે ધ્યાન દોર્યું હોવા છતાં પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.’

ન્યુ આદર્શ વિલા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા સોસાયટીના મેમ્બર ભાવેશ જોશીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારું ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે અને ડ્રેનેજ લાઇન પણ ઘરની સામે જ આવેલી હોવાથી ઘરના આંગણામાં જ ગંદું પાણી જમા થાય છે અને શ્વાસ પણ ન લઈ શકાય એટલી તીવ્ર ગંદી વાસ આવે છે. હાલમાં ગંદકી અને મચ્છરોને કારણે ડેન્ગીના રોગનો પણ ફેલાવો થઈ રહ્યો છે એવા સમયે અહીં ૨૪ કલાક રહેતી ગંદકી, ગંદી વાસ અને એનાથી થતા મચ્છરોના ઉપદ્રવથી સોસાયટીમાં રહેતા લોકોને ભવિષ્યમાં ડેન્ગીના રોગના ભોગ બનવાનો ભય રહે છે.’

સોસાયટીના અન્ય એક મેમ્બર ધનેશ કોઠારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સોસાયટીના મેદાનમાં જમા થતા ગટરના ગંદા પાણીને કારણે નાનાં બાળકો સોસાયટીમાં રમી શકતાં નથી. ગંદા પાણીને કારણે સિનિયર સિટિઝનોને ચાલતી વખતે પડી જવાનો ભય રહે છે. સોસાયટીમાં જમા થતું ગંદું પાણી ઢોળાવ હોવાથી ધીમે-ધીમે પાછળ આવેલી સોસાયટીમાં જાય છે અને તેમને પણ ત્રાસ થાય છે.’

સોસાયટીના ટ્રેઝરર ગોપાલ ક્રિષ્નને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું સોસાયટીમાં આગળની તરફ ગ્રાઉન્ડ ફ્લોર પર રહું છું અને ગટરમાંથી ઊભરાતા ગંદા પાણીની વાસથી અમે ઘરમાં ખાવાનું પણ ખાઈ શકતા નથી. એમાંય પાછળના ભાગમાં ફૂલ-ઝાડ આવેલાં હોવાથી અને ગટરો ઊભરાતી હોવાથી મચ્છરોને તેમનું મનફાવતું મળી જાય છે. આ સમસ્યા બાબતે સુધરાઈને છેલ્લા ઘણા સમયથી ફરિયાદો પણ કરી છે, પરંતુ સુધરાઈના અધિકારીઓ પરિસ્થિતિ જોઈને પણ આંખ આડા કાન કરે છે.’

આ સોસાયટી જેના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે એ વૉર્ડ-નંબર ૯૯નાં બીજેપીનાં નગરસેવિકા ભાવના જોબનપુત્રા સાથે આ સમસ્યા વિશે વાત કરતાં તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મેં પોતે જઈને સોસાયટીની મુલાકાત લીધી હતી અને હું આ સમસ્યા બાબતે નિકાલ લાવવા પૂરતા પ્રયાસ કરી રહી છું જેથી સોસાયટીના મેમ્બરોને આ સમસ્યાથી મુક્તિ મળી શકે. મેં આ બાબતે સુધરાઈના અધિકારીઓ સાથે વાત કરી હતી. આ કામમાં સુધરાઈને કારણે વિલંબ થઈ રહ્યો છે અને આ વિલંબ ન થાય એ માટે હું સુધરાઈ પર દબાણ કરી રહી છું અને રોજેરોજ ફૉલોઅપ પણ કરું છું. શુક્રવારે ૭ ડિસેમ્બરે સુધરાઈના અધિકારી સાથે વાત કરતાં તેમણે સોમવારે ૧૦ ડિસેમ્બરે કામ શરૂ કરવાનું જણાવ્યું હતું.’

સુધરાઈના અધિકારીએ નામ ન આપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમને આ બાબતે હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી અને જો આવું હશે તો અમે તપાસ કરી આ બાબતે જરૂર પગલાં લઈશું.’

ડૉ. આર. પી. રોડ =  ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ