એક સિગારેટ ભારે પડી ગઈ રીઢા ચોરને

06 June, 2025 07:27 AM IST  |  Mumbai | Mehul Jethva

નેરુળના જે ઘરમાંથી પચીસ લાખ રૂપિયા રોકડા અને ૧૧ લાખ રૂપિયાના દાગીના ચોર્યા એની નજીકના પાનના ગલ્લેથી સિગારેટ ખરીદીને ઑનલાઇન પેમેન્ટ કર્યું, એમાંથી પોલીસને ફોન-નંબર મળી ગયો અને કેટલીયે ઘરફોડી કરનારો ચોર પકડાઈ ગયો

નેરુળ પોલીસે ધરપકડ કરેલા આરોપી.

નેરુળ-ઈસ્ટના સેક્ટર-૩માં આવેલી ગંગોત્રી સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષના ઉદય તામસેના ખાલી ઘરને બાવીસમી મેએ ટાર્ગેટ કરી પચીસ લાખ રૂપિયાની રોકડ સહિત ૧૧ લાખ રૂપિયાના દાગીના ચોરી નાસી જનાર બે ચોરોની નેરુળ પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી ૫૦ વર્ષના અસ્લમ કુરેશીને સિગારેટ પીવાની ખોટી આદતના કારણે ટ્રૉમ્બે વિસ્તારમાંથી સોમવારે પકડી પાડ્યો હતો. તેની પાસેથી વધુ માહિતી મેળવીને ચોરીમાં સાથ દેનાર ૩૭ વર્ષના દિનેશ સોનીની પણ ધરપકડ કરવામાં આવી હતી. બન્ને આરોપી પાસેથી પોલીસે ૧૬ લાખ રૂપિયાની માલમતા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

નેરુળ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર તુષાર બચ્છાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) વિભાગમાંથી રિટાયર થયેલા ઉદય તામસેનું ટૂંક સમયમાં કૅન્સરનું ઑપરેશન કરાવવાનું હોવાથી તેણે ઇલાજ માટે પચીસ લાખ રૂપિયા પોતાના ઘરમાં રાખ્યા હતા. દરમ્યાન બાવીસમી મેએ સવારે ઘર બંધ કરી પત્ની સાથે તેઓ વાશી ગયા હતા ત્યાંથી રાતે ઘરે પાછા ફરતાં ઘરમાં ચોરી થઈ હોવાની માહિતી મળી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આશરે ૩૬ લાખ રૂપિયાની માલમતા ચોરાઈ હોવાની જાણકારી મળતાં અમે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ઘટનાસ્થળના ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસી આરોપીની ઓળખ કરવાની કોશિશ કરતાં રેકૉર્ડ પરના આરોપી અસ્લમ કુરેશીની અમને માહિતી મળી હતી. જોકે ઘટનાસ્થળ પરથી તે નાસી ગયો હોવાથી તેને પકડવો મુશ્કેલ હતો એટલે અમે તે કયા માર્ગે આ બિલ્ડિંગમાં પહોંચ્યો એની તપાસ કરવા રોડ પરનાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એ સમયે જે બિલ્ડિંગમાંથી ચોરી થઈ હતી ત્યાંથી આશરે ૫૦૦ મીટર દૂર એક પાનના ગલ્લા પર આરોપી સિગારેટ પીતો જોવા મળ્યો હતો. અમે એ પાનના ગલ્લા પર જઈ તપાસ કરી ત્યારે આરોપીએ એક સિગારેટ લઈ ઑનલાઇન પેમેન્ટ કર્યું હતું જેની મદદથી અમને આરોપીનો મોબાઇલ નંબર મળ્યો હતો. એના આધારે અમે વધુ તપાસ કરી ટ્રૉમ્બે વિસ્તારમાંથી તેની ધરપકડ કરી હતી. તેના ઘરમાંથી જ અમને ચોરી કરેલા દાગીના મળી આવ્યા હતા. આ કેસમાં તેને સાથ દેનાર દિનેશ સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અસ્લમ કુરેશી સામે મુંબઈ, થાણે, નવી મુંબઈ અને વસઈ-વિરાર વિસ્તારનાં અલગ-અલગ પોલીસ-સ્ટેશનમાં ૩૦થી વધારે ફરિયાદ નોંધવામાં આવી છે.’

nerul crime news mumbai crime news mumbai police news mumbai mumbai news navi mumbai brihanmumbai electricity supply and transport