કોરોનાને લીધે પાણી પૂરી વાળાનું મૃત્યુ, રહેવાસીઓએ ભેગા કર્યા પાંચ લાખ

25 June, 2020 11:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાને લીધે પાણી પૂરી વાળાનું મૃત્યુ, રહેવાસીઓએ ભેગા કર્યા પાંચ લાખ

ભગવતી યાદવ

દક્ષિણ મુંબઈના નેપિયન સી રોડ પર લગભગ છેલ્લા 46 વર્ષોથી પાણી પૂરી વેચતા ભગવતી યાદવનું એક મહિના પહેલા કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને લીધે મૃત્યુ થયું હતું. વિસ્તારના રહેવાસીઓએ તેમના મૃત્યુ બાદ પરિવારની મદદ માટે પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા છે. એક પાણી પૂરી માટે રહેવાસીઓને આટલો પ્રેમ હોઈ શકે તે જોઈને ઘરના સભ્યો પણ ચોંકી ગયા છે.

ભગવતી યાદવને દક્ષિણ મુંબઈના લોકો 'બિસલરી પાણી પૂરી વાલે'ના નામથી ઓળખતા હતા. તેઓ પાણી પૂરી બનાવવા સાદા પાણીને બદલે બિસલરીનું પાણી વાપરતા. વિસ્તારના રહેવાસીઓએ ભગવતીના પરિવારને મદદ કરવા માટે કીટ્ટો નામની વૅબસાઈટની મદદથી 42 દિવસમાં પાંચ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. જેમાંથી બે લાખ રૂપિયા તો ફક્ત બે દિવસમાં જ ભેગા થઈ ગયા હતા.

નેપિયન સી રૉડના રહેવાસી યશ બૈદે કહ્યું હતું કે, ભગવતી યાદવ તેમના પરિવારમાં કમાણી કરતા એકમાત્ર વ્યક્તિ હતા. તેઓ યાદવની દિકરીના સંપર્કમાં છે. યાદવની પાણી પૂરીના સ્ટૉલ પર દરરોજ પાણી પૂરી ખાવા આવતા અન્ય એક ગ્રાહકે કહ્યું હતું કે, ભગવતીની પાણી પૂરીનો સ્વાદ બહુ અલગ હોય છે. એમની બનાવવાની સ્ટાયલ જ બહુ જુદી હતી. તેઓ બધી સામગ્રી ઘરે જ બનાવતા અને તે પણ મિક્સરનો ઉપયોગ કર્યા વગર હાથેથી બનાવતા.

ભગવતી યાદવની દીકરી અત્યારે તેની માતા સાથે ઉત્તર પ્રદેશના આજમગઢમાં છે. દીકરીનું કહેવું છે કે, તેના પિતાને લોકો આટલો પ્રેમ આપે છે તે જોઈને બહુ ખુશી થાય છે.

coronavirus covid19 mumbai mumbai news south mumbai