નાશિક જેલમાંથી પરોલ પર છૂટીને ભાગી ગયેલો સિરિયલ રેપિસ્ટ કુર્લામાંથી પકડાયો

16 August, 2016 05:57 AM IST  | 

નાશિક જેલમાંથી પરોલ પર છૂટીને ભાગી ગયેલો સિરિયલ રેપિસ્ટ કુર્લામાંથી પકડાયો


સંતોષ વાઘ

નાશિક જેલમાં કેદ પલ્લવી પુરકાયસ્થ હત્યાકેસનો દોષી પરોલ પર છૂટ્યા પછી રફુચક્કર થઈ ગયા બાદ એ જેલમાંથી પરોલ મેળવીને રફુચક્કર થવાનો બીજા આરોપી જાવેદ શેખનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. જાવેદ શેખ ચોથી જુલાઈએ પરોલ પર છૂટ્યા પછી ચોથી ઑગસ્ટે નાશિક જેલમાં હાજર ન થતાં ભાયખલા જેલનાં સુપરિન્ટેન્ડેન્ટ ચંદ્રમણિ ઇન્દુલકર દ્વારા ચુનાભઠ્ઠી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ત્યાર પછી ૨૪ કલાકમાં પોલીસે જાવેદ શેખને કુર્લા (ઈસ્ટ)ની ગુલામ રસૂલ ચાલના તેના રહેઠાણ પાસેથી પકડી લીધો હતો.

પલ્લવી પુરકાયસ્થ હત્યાકેસ અને સગીર વયની બાળકીની બળાત્કાર બાદ હત્યાના કેસોના આરોપી નાશિક જેલમાં છે. કેદીઓ જે કેસોમાં સંડોવાયેલા હોય એની ચકાસણી કર્યા વગર પરોલ મંજૂર કરવા માટે નાશિક જેલ વિવાદાસ્પદ બની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જાવેદ શેખને પરોલ પર છોડવા બાબતે એના સંબંધિત ચૂનાભઠ્ઠી પોલીસ-સ્ટેશને સંમતિ દર્શાવી નહોતી. જાવેદના ગુનાની ગંભીરતા જોતાં તેને પરોલ પર છોડવાથી તે નાસી જાય એવી શક્યતા અને તેનું નાસી જવું પણ જોખમી નીવડે એવી શક્યતા પોલીસને જણાઈ હતી. જાવેદ શેખને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી છે.

કુર્લાના નેહરુનગરમાં સગીર વયની બાળકીના અપહરણ બાદ બળાત્કાર અને પછી તેની હત્યાના કેસમાં જાવેદ શેખની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૦માં ૧૦ વર્ષથી ઓછી ઉંમરની ત્રણ બાળકીઓનાં અપહરણ, બળાત્કાર અને હત્યાના કિસ્સા બન્યા હતા. પહેલા કેસમાં છ વર્ષની બાળકીના અપહરણ બાદ તેના પર બળાત્કાર કરીને તેને ખતમ કરવામાં આવી હતી. અન્ય બે કિસ્સામાં નવ વર્ષની બે બાળકીઓ સાથે પણ એવું જ બન્યું હતું. બીજા કિસ્સામાં નવ વર્ષની બાળકીનો મૃતદેહ પોલીસ હેડક્વૉર્ટરની અગાસીમાંથી મળ્યો હતો. અપહરણ, બળાત્કાર અને હત્યાના ત્રીજા કિસ્સામાં નવ વર્ષની બાળકીનો મૃતદેહ વત્સલાબાઈ નગરની ઝૂંપડપટ્ટીમાંથી મળ્યો હતો. એ કિસ્સામાં પાંચ જૂને બાળકી ગુમ થઈ હતી અને ૧૯ જૂને વત્સલાબાઈ નગરના રહેવાસી પાડોશીઓએ દુર્ગંધની ફરિયાદ કરતાં પોલીસે કરેલી શોધખોળમાં બાળકીનો મૃતદેહ મળ્યો હતો.

એ કેસમાં આજીવન કેદની સજા પામેલા જાવેદ શેખે કોર્ટમાં અરજી કરી હતી અને પછીથી તેના પરોલને મંજૂરી આપવામાં આવી હતી. જાવેદ શેખને ચોથી જુલાઈએ પરોલ પર છોડવામાં આવ્યો હતો અને તેણે ચોથી ઑગસ્ટે નાશિક જેલમાં પાછા હાજર થવાનું હતું, પરંતુ તે જેલમાં પાછો ન આવ્યો ત્યારે નાશિક જેલના અધિકારીઓએ મુંબઈમાં ભાયખલા જેલનાં સુપરિન્ટેન્ડેન્ટ ચંદ્રમણિ ઇન્દુલકરને સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અને સ્થાનિક પોલીસ-સ્ટેશનને જાવેદ શેખને શોધવાની સૂચના આપવાનું જણાવ્યું હતું. એથી ચંદ્રમણિ ઇન્દુલકરે રવિવારે ચૂનાભઠ્ઠી પોલીસ-સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ચૂનાભઠ્ઠી પોલીસ-સ્ટેશનની ટીમે જાવેદ શેખના કુર્લા (ઈસ્ટ)ના કુરેશીનગરની ગુલામ રસૂલ ચાલના રહેઠાણે શોધખોળ કરતાં એ સ્થળની નજીકથી તે પકડાયો હતો. જાવેદ શેખને સ્થાનિક અદાલતમાં રજૂ કર્યા પછી ગઈ કાલે સવારે નાશિક જેલમાં પાછો મોકલવામાં આવ્યો હતો.

જાવેદ શેખે તેની મમ્મીની તબિયત ગંભીર હોવાથી પરોલ પર છૂટ્યો હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોલીસે તેનો દાવો ખોટો ઠેરવતાં જણાવ્યું હતું કે જાવેદ શેખ મુંબઈ છોડીને બહારગામ ભાગી જવાની પૂરેપૂરી શક્યતા હતી.