યુદ્ધ તથા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પેશન્ટને કૅશલેસની સુવિધા ન મળે

06 August, 2012 05:23 AM IST  | 

યુદ્ધ તથા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પેશન્ટને કૅશલેસની સુવિધા ન મળે

વિનોદકુમાર મેનન

મુંબઈ, તા. ૬

શનિવારે સવારે જ પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ માટે કહેવામાં આવ્યા છતાં ઘાટકોપરનાં રહેવાસી ૫૪ વર્ષનાં નીતા જેઠવા ઇન્શ્યૉરન્સ કંપનીના થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટરે તેમનાં હૉસ્પિટલનાં બિલ પાસ ન કરતાં સાંજ સુધી હૉસ્પિટલમાંથી બહાર નહોતાં નીકળી શક્યાં. ૨૮ જુલાઈએ અનંતનાગમાં થયેલા એક રહસ્યમય બ્લાસ્ટમાં નીતા જેઠવા ઘાયલ થયાં હતાં. આ વિસ્ફોટમાં ત્રણ મહિલાનાં મોત થયાં હતાં તેમ જ પાંચ મહિલા ઘાયલ થઈ હતી. નીતા જેઠવાને વિમાનમાર્ગે મુંબઈ લાવવામાં આવ્યાં હતાં. તેમના એક રિલેટિવ કેતન મહેતાના જણાવ્યા પ્રમાણે ઘાટકોપર (વેસ્ટ)માં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેમને ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. તેમનો તથા તેમના પતિ ભરત જેઠવાનો ચાર લાખ રૂપિયાનો મેડિક્લેમ કઢાવ્યો હોવાથી તેમણે સમગ્ર ટ્રીટમેન્ટ કૅશલેશ પદ્ધતિથી કરાવવાનો નિર્ણય લીધો હતો.

જોકે ત્રીજી ઑગસ્ટે એમડી ઇન્ડિયા હેલ્થકૅર સર્વિસ (ટીપીએ) પ્રાઇવેટ લિમિટેડે તેમને જણાવ્યું હતું કે યુદ્ધ તથા યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પેશન્ટને કૅશલેસની સુવિધા મળી ન શકે એમ પૉલિસીના ૪.૪.૧ નિયમ હેઠળની શરતોમાં જણાવવામાં આવ્યું છે. કેતન મહેતાએ કહ્યું હતું કે ‘દાવો રદ કરવા માટે આપેલા વિચિત્ર કારણથી અમને બહુ જ આંચકો લાગ્યો હતો. યુદ્ધ જેવી કોઈ પરિસ્થિતિ નહોતી. વળી રહસ્યમય વિસ્ફોટ કયા કારણથી થયો હતો એે હજી જમ્મુ-કાશ્મીર પોલીસ શોધી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે એમ ટીપીએ કયા આધારે કહી શકે.’

કોઈ સંતોષકારી જવાબ પણ ટીપીએ નહોતી આપી શકી. ઇન્શ્યૉરન્સ કંપનીઓના કામકાજને નિયંત્રિત કરતી સરકારી સંસ્થા ઇન્શ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (ઇરડા)માં ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતાં આ કેસનો ફરીથી અભ્યાસ કરવામાં આવશે એવો જવાબ ટીપીએએ આપ્યો હતો.

ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સના ડિવિઝનલ મૅનેજર એ. ડી. સરનિકનો જેઠવાપરિવારે આભાર માન્યો હતો. તેમણે ટીપીએ સાથે મધ્યસ્થી કરતાં સમગ્ર મામલો ઉકેલાયો હતો. શનિવારે સાંજે હૉસ્પિટલે ૭૬,૧૬૩ રૂપિયાનું બિલ બનાવ્યું હતું, પરંતુ ઇન્શ્યૉરન્સ કંપનીએ ૭૦,૭૨૩ રૂપિયાનું બિલ ક્લિયર કર્યું હતું. પરિવારે ટીપીએ વિરુદ્ધ ઇરડા તથા ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપનીમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.

નીતા જેઠવાના દાવાને રદ કરનાર એમડી ઇન્ડિયા હેલ્થકૅર સર્વિસ (ટીપીએ) પ્રાઇવેટ લિમિટેડેના સિનિયર મૅનેજર ડૉ. નઇમુદ્દીન કારબારીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે હું અત્યારે ઑફિસમાં નથી તેમ જ મને જાણવા મળ્યું છે કે દાવો મંજૂર કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે એવું કઈ રીતે કહેવામાં આવ્યું એ વિશે પૂછતાં તેમણે કોઈ પણ જાતનો પ્રતિભાવ આપવાનો ઇનકાર કરી દીધો તેમ જ કેસની વિગતો જાણવી પડશે એમ જણાવ્યું હતું. ટીપીએના અસિસ્ટન્ટ જનરલ મૅનેજર ચૈતન્ય ગુજરાતીએ કહ્યું હતું કે અત્યારે હું મુંબઈમાં નથી એથી કોઈ સ્ટેટમેન્ટ આપી શકું નહીં.

ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સના સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સના ડિવિઝનલ ઑફિસર સાથે ચર્ચા કર્યા સિવાય જ ટીપીએ દ્વારા દાવાને નકારી કાઢી નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. આ કેસમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે ઉપયોગમાં લેવામાં આવતો નિયમ ૪.૪.૧ ક્યાંય ફિટ નથી બેસતો. ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સનાં ચીફ રીજનલ મૅનેજર (મુંબઈ રીજનલ ઑફિસ-૨) સુસ્મિતા મુખરજીએ કહ્યું હતું કે પેપર જોયા સિવાય આ મામલે હું કંઈ કહી ન શકું.

નિષ્ણાતો શું કહે છે?

મેમ્બર ઑફ કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયાના સભ્ય ડૉ. એસ. કે. કામથે નીતા જેઠવાનો ક્લેમ નકારી કાઢવામાં આવ્યો એ વિશે કહ્યું હતું કે ‘સરકારી સત્તાધારીઓ સામે લોકોની ફરિયાદોની તપાસ કરવા માટે નીમેલા ઑમ્બડ્ઝમૅન ઑફ ઇન્શ્યૉરન્સ પાસે પણ ફરિયાદ કરી શકાય તેમ જ સીધી ઇરડા સમક્ષ પણ ફરિયાદ કરી શકાય. દાવાને નકારવા માટે ટીપીએ દ્વારા આપવામાં આવેલું કારણ ભારે વિચિત્ર છે.’