કોરોના વાઇરસને જીવનનો હિસ્સો માની લો : શરદ પવાર

21 May, 2020 08:06 AM IST  |  Mumbai | Agencies

કોરોના વાઇરસને જીવનનો હિસ્સો માની લો : શરદ પવાર

શરદ પવાર

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે કોરોના વાઇરસને જીવનનો હિસ્સો સમજવાની ભલામણ સાથે લોકોમાં આરોગ્યની કાળજી બાબતે જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત દર્શાવી હતી. શરદ પવારે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘આ રોગ પૂર્ણરૂપે નાબૂદ થવાનો નથી એ વાત સ્વીકારીને આપણે સજાગ થવાની જરૂર છે. લોકોએ વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાની જરૂર હંમેશાં રહેશે. મહારાષ્ટ્રના માહિતી વિભાગે કોવિડ-૧૯ સામે લડત કેવી રીતે ચલાવવી એની માહિતી લોકોને આપવા લોકજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ.’

કોવિડ-૧૯ને કારણે રાજ્ય સમક્ષ ઊભા થયેલા પડકારો અને રાજ્યના અર્થતંત્રને ફરી પાટે ચડાવવાના પગલાં વિશે મુખ્ય પ્રધાન જોડે મંત્રણા કર્યા બાદ શરદ પવારે પ્રસાર માધ્યમો સમક્ષ બયાનમાં કોરોના, રાજ્ય સરકારના કાર્યક્રમો અને રાજ્યના અર્થતંત્ર સંબંધી ચર્ચાની માહિતી આપી હતી. મુખ્ય પ્રધાન જોડે મંત્રણા દરમ્યાન રાજ્યમાં મૂડીરોકાણમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવા યોજનાઓ હાથ ધરવાની સલાહ રાજ્ય સરકારને આપી હોવાનું શરદ પવારે જણાવ્યું હતું. પવારે રાજ્યમાં વાહનવ્યવહારને ફરી થાળે પાડવા અને તબક્કાવાર રીતે માર્ગ વાહનવ્યવહાર ઉપરાંત વિમાન વ્યવહાર પણ શરૂ કરી શકાય એવી જોગવાઈનો અનુરોધ રાજ્ય સરકારને કર્યો હતો.

sharad pawar mumbai news mumbai coronavirus covid19 lockdown