જયંત પાટીલ, એકનાથ ખડસે અને બીજેપીનાં રક્ષા ખડસે પણ કોરોના પૉઝિટિવ

19 February, 2021 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જયંત પાટીલ, એકનાથ ખડસે અને બીજેપીનાં રક્ષા ખડસે પણ કોરોના પૉઝિટિવ

જયંત પાટીલ (ફાઈલ તસવીર)

રાષ્ટ્રવાદી પરિવાર સંવાદયાત્રામાં ભાગ લઈને રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં સતત પ્રવાસ કરી રહેલા રાજ્યના જળસંપદા પ્રધાન અને એનસીપીના નેતા જયંત પાટીલ હવે કોરોનાનો શિકાર થયા છે. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને હાલના એનસીપીના નેતા એકનાથ ખડસેને ફરી એક વખત કોરોના થયો છે, જ્યારે તેમનાં પુત્રવધૂ અને બીજેપીનાં સંસદસભ્ય રક્ષા ખડસેનો પણ કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

જયંત પાટીલે આ બાબતે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમની તબિયત સારી છે અને યોગ્ય દવા લઈ રહ્યા છે. સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પોતાની કાળજી લેવા જણાવ્યું હતું. જોકે એકનાથ ખડસેને ફરી એક વાર કોરોના થયો છે. સૌથી પહેલાં તેમને નવેમ્બર મહિનામાં કોરોના થયો હતો. ત્યાર બાદ ૩૧ ડિસેમ્બરે ફરી તેમનામાં કોરોનાનાં લક્ષણો જણાઈ આવ્યાં હતાં. હવે ફરી તેમને કોરોના થયો હોવાનું જણાઈ આવ્યું છે. તેમની ટેસ્ટ કરાયા બાદ ઘરના અન્ય સભ્યોની પણ ચકાસણી કરાતાં તેમનાં પુત્રવધૂ અને સંસદસભ્ય રક્ષા ખડસેને પણ કોરોના થયો હોવાનું બહાર આવ્યું હતું.

આ અગાઉ આ મહિનાની શરૂઆતમાં રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ, સતેજ પાટીલ અને રાજેન્દ્ર શિંગણે પણ કોરોનાનો શિકાર બન્યા હતા. અત્યાર સુધીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિત રાજ્યના ૧૫ જેટલા પ્રધાનોને કોરોના થયો હતો.

mumbai mumbai news nationalist congress party bharatiya janata party coronavirus covid19