મીરા-ભાઇંદરનાં નવાં મેયર NCPનાં કૅટલિન પરેરા, ડેપ્યુટી મેયર કૉન્ગ્રેસનાં નૂરજહાં સૈયદ

29 August, 2012 05:49 AM IST  | 

મીરા-ભાઇંદરનાં નવાં મેયર NCPનાં કૅટલિન પરેરા, ડેપ્યુટી મેયર કૉન્ગ્રેસનાં નૂરજહાં સૈયદ

બીજેપી-શિવસેના દ્વારા ઘણા પ્રયત્નો કર્યા બાદ પણ મેયરપદે એનસીપીનાં બે વખત નગરસેવિકાપદે ચૂંટાઈ આવેલાં કૅટલિન પરેરા અને ડેપ્યુટી મેયરપદે કૉન્ગ્રેસનાં ત્રણ વખત નગરસેવિકાપદે ચૂંટાઈને આવેલાં નૂરજહાં સૈયદ ચૂંટાઈ આવ્યાં હતાં. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટરૂપે બહુમતી મળી ન હોવાથી મેયર અને ડેપ્યુટી મેયરપદે કોણ આવશે એ રસપ્રદ રહ્યું હતું. સૌથી ઓછી સીટ મેળવેલા બહુજન વિકાસ આઘાડીની ત્રણ સીટ, એમએનએસની એક અને અપક્ષની એક સીટ પર મીરા-ભાઈંદરની સત્તા કોના હાથમાં જશે એ નિર્ભર હતું. એને કારણે આ સીટનું સમર્થન કોને મળે છે એના પર બધાની નજર હતી.

 

મીરા-ભાઈંદર પર ફરી પોતાની સત્તા મેળવવા એનસીપી અને કૉન્ગ્રેસ ફરી વાર એક થઈ હતી. એ સાથે બહુજન વિકાસ આઘાડી, એમએનએસ અને અપક્ષનો પણ તેમને સાથ મળ્યો હતો. એટલે એનસીપીના ૨૬ વોટ, કૉન્ગ્રેસના ૧૯ વોટ, એમએનએસનો એક વોટ, બહુજન વિકાસ આઘાડીના ત્રણ વોટ અને અપક્ષનો એક વોટ એમ કુલ ૫૦ વોટ મેળવીને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં કૅટલિન પરેરા શિવસેનાના પ્રભાકર મ્હાત્રેને પરાજય આપી આ પદ પર ચૂંટાઈ આવ્યાં હતાં. મેયરપદ માટે ચાર જણે ફૉર્મ ભર્યા હતાં, જેમાં ગઈ કાલની ચૂંટણી વખતે બીજેપીના નરેન્દ્ર મહેતા અને બહુજન વિકાસ આઘાડીના રાજુ ભોઈરે ફૉર્મ પાછું ખેંચ્યું હતું.

ડેપ્યુટી મેયરપદે પણ ચાર જણે ફૉર્મ ભર્યા હતાં. એમાં શિવસેનાના પ્રવીણ પાટીલ અને બહુજન વિકાસ આઘાડીના મોહન જાધવે ફૉર્મ પાછું ખેંચ્યું હતું. કૉન્ગ્રેસનાં નૂરજહાં સૈયદ બીજેપીના શરદ પાટીલને પરાજિત કરીને આ પદે ચૂંટાઈ આવ્યાં હતાં. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાનાં મેયર અને ડેપ્યુટી મેયરપદે બહુમતીથી ચૂંટાઈ આવ્યા બાદ બન્ને મહિલાઓએ શહેરના વિકાસ અને હિત માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, બીજેપી = ભારતીય જનતા પાર્ટી