એનસીપીએ કૉન્ગ્રેસને ચીમકી આપી, રાજ્યમાં એફડીઆઇનો નિર્ણય એકલા ન લેતા

07 December, 2012 06:37 AM IST  | 

એનસીપીએ કૉન્ગ્રેસને ચીમકી આપી, રાજ્યમાં એફડીઆઇનો નિર્ણય એકલા ન લેતા


એણે રાજ્ય સરકારમાં એના સાથીપક્ષ કૉન્ગ્રેસને કહ્યું છે કે રાજ્યમાં એફડીઆઇને લાગુ કરતાં પહેલાં અમને પૂછજો, સમન્વય સમિતિની બેઠક લેજો. આ માટે એનસીપીના પ્રદેશ-અધ્યક્ષ મધુકર પિચડે એક લેટર મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને લખ્યોે છે જે બુધવારે રાત્રે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુખ્ય પ્રધાનને આપ્યો હતો. આ લેટરમાં મધુકર પિચડે કહ્યું છે કે ‘રાજ્યમાં રીટેલમાં એફડીઆઇનો અમલ કરતાં પહેલાં અમારી સાથે ચર્ચા કરજો, કારણ કે એફડીઆઇનો અમલ કરતી વખતે માથાડી કામગારો અને વેપારીઓનું હિત ન જોખમાય એ આપણે જોવું પડશે. રાજ્યમાં એફડીઆઇ લાગુ કરવા બાબતે અમારો વિરોધ છે એટલે એકતરફી નિર્ણય લેશો નહીં.’

એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે આ બાબતે કહ્યું હતું કે ‘અમારી પાર્ટી મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસ સાથે ગઠબંધનની સરકાર ધરાવે છે. રાજ્યમાં મલ્ટિ-બ્રૅન્ડ રીટેલમાં એફડીઆઇના અમલીકરણ બાબતે અમે કૉન્ગ્રેસ સાથે મળી એના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરીશું અને ત્યાર બાદ અમારું આ બાબતે સ્ટૅન્ડ ક્લિયર કરીશું.’

રીટેલમાં એફડીઆઇનો અમલ ૧૦ લાખ કરતાં વધુની વસ્તી ધરાવતાં શહેરોમાં થવાનો છે. અત્યારે દેશમાં આવાં ૫૧ શહેર છે. ઉત્તર પ્રદેશ એફડીઆઇને લાગુ કરવાનું નથી. એવી જ નીતિ કૉન્ગ્રેસ જ્યાં સત્તા પર નથી એ રાજ્યોની છે. કેરળમાં કૉન્ગ્રેસ સત્તા પર હોવા છતાં એનો વિરોધ કરવામાં આવ્યો છે. કેરળને બાદ કરતાં કૉન્ગ્રેસશાસિત રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવાં ૧૦ શહેરો છે. એથી મહારાષ્ટ્રમાં જો એનસીપી રીટેલમાં એફડીઆઇનો વિરોધ કરશે તો એની અસર અન્ય રાજ્યો પર પણ થાય એમ છે. આમ લોકસભામાં માન્યતા મેળવનાર એફડીઆઇને રાજ્યોમાં અમલમાં લાવતાં હજી કપરાં ચડાણ ચડવાં પડશે. 

એફડીઆઇ = ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી