મહિલા અનામત બિલ: દેવેન્દ્ર ફડણવીસ V/S સુપ્રિયા સુળે

21 April, 2026 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા અનામત બિલ વિશે ચર્ચા કરવાનો મુખ્ય પ્રધાનનો પડકાર NCP (SP)નાં નેતાએ સ્વીકાર્યો

દેવેન્દ્ર ફડણવીસ અને સુપ્રિયા સુળે

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે વિપક્ષોને મહિલા અનામત બિલ પર જાહેરમાં ચર્ચા કરવાનો અને એની ખામીઓ ઓળખવાનો પડકાર ફેંક્યો હતો તથા તેમના પર મહિલા સશક્તીકરણનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો હતો. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)નાં નેતા સુપ્રિયા સુળેએ મુખ્ય પ્રધાનના પડકારને ઝીલ્યો હતો અને બિલમાં રહેલી ખામીઓ પ્રેસ-કૉન્ફરન્સ લઈને બધાની સામે લાવ્યાં હતાં.  

વિપક્ષના મત મુજબ તેમના વલણને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. તેમનું કહેવું હતું કે તેઓ મહિલા અનામતને સમર્થન આપે છે પરંતુ એને સીમાંકન પ્રક્રિયા સાથે જોડવાનો વિરોધ કરે છે. સુપ્રિયા સુળેએ દેવેન્દ્ર ફડણવીસના દાવાઓને ફગાવી દીધા હતા અને એને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘વિપક્ષે ૨૦૨૩માં સર્વસંમતિથી મહિલા અનામત બિલને સમર્થન આપ્યું હતું અને એ મુજબ એ પસાર થયું હતું. હવે તેઓ અનામતને સંસદીય અને વિધાનસભા મતવિસ્તારોના સીમાંકન સાથે જોડીને સુધારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષો મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનું સમર્થન કરે છે, પણ એને સીમાંકન સાથે જોડવાનો સખત વિરોધ કરે છે.’ 

સુપ્રિયા સુળેએ કહ્યું  હતું ‘ ૩૩ ટકા અનામતને તેઓ ટેકો આપે છે પણ ડીલિમિટેશનનો સખત વિરોધ કરે છે. વસ્તીગણતરીના અપડેટેડ ડેટા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાલના મતવિસ્તારોમાં અનામત લાગુ કરવાની પણ સુપ્રિયા સુળેએ સરકારને વિનંતી કરી હતી.

સહીઝુંબેશમાં મહારાષ્ટ્રની એક કરોડ મહિલાઓ ભાગ લેશે
BJP મંગળવારે મોટા પાયે ઝુંબેશ શરૂ કરશે. સમગ્ર મહારાષ્ટ્રમાં મહિલાઓ તરફથી એક કરોડ સહીઓ લેવાનું લક્ષ્ય રખાયું છે. જાહેર સમર્થન દર્શાવાશે અને રાજકીય દબાણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે. BJPની મહિલા પાંખ, વરિષ્ઠ નેતાઓ અને સાથીઓની બેઠકો થશે.

mumbai news mumbai nationalist congress party supriya sule devendra fadnavis maharashtra political crisis indian politics bhartiya janta party bjp bharatiya janata party