એક તુતારી, વગાડનારા બે

24 April, 2024 08:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળે બારામતીમાંથી ત્રણ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે, જ્યારે જેને તુતારીનું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે

તુતારી

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૭ મેએ થનારા મતદાન માટેના ઉમેદવારોની અંતિમ યાદી મહારાષ્ટ્રના ઇલેક્શન કમિશને સોમવારે મોડી રાત્રે જાહેર કરી હતી જેમાં બારામતીમાં એક રસપ્રદ વાત સામે આવી છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-શરદચંદ્ર પવાર)ને પહેલેથી જ તુતારી ચિહ‍્ન ફાળવવામાં આવ્યું છે તો અહીંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા સોહેલ શેખને પણ ચૂંટણીપંચે તુતારી ચિહ‍્ન જ ફાળવ્યું છે. આથી ચૂંટણીમાં ગરબડ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરીને ઉમેદવાર સુપ્રિયા સુળેએ ચૂંટણીપંચમાં આ સંબંધે ફરિયાદ કરી છે. જોકે બન્ને તુતારીમાં ફરક છે. NCP-શરદચંદ્ર પવારને તુતારી વગાડતા માણસનું ચિહ‍્ન તો અપક્ષ ઉમેદવારને માત્ર તુતારી ફાળવ્યું છે. શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળે બારામતીમાંથી ત્રણ વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે, જ્યારે જેને તુતારીનું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે એ અપક્ષ ઉમેદવાર સોહેલ શેખ બીડનો રહેવાસી છે અને પહેલી વખત ચૂંટણી લડી રહ્યો છે. આથી હવે આ બાબતે શું નિર્ણય લેવામાં આવશે એના પર બધાની નજર રહેશે. ૭ મેએ થનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની ૧૧ બેઠક પર મતદાન થવાનું છે. એમાં સૌથી વધુ ૩૮ ઉમેદવાર બારામતીમાં છે.

mumbai news mumbai Lok Sabha Election 2024 nationalist congress party sharad pawar baramati