ફરી એક વાર કિરીટ સોમૈયા અને નવાબ મલિક વચ્ચે તૂતૂમૈંમૈં

10 January, 2022 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રવક્તા અને રાજ્યના લઘુમતી વિકાસ ખાતાના પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે...

કિરીટ સોમૈયા

ફરી એક વખત રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રવક્તા નવાબ મલિક અને બીજેપીના નેતા તથા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. ગોરેગામ નેસ્કો કોરોના કૅર સેન્ટરની શનિવારે મુલાકાત લીધા બાદ કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘મુંબઈમાં કોરોનાના કેસ વધી રહ્યા છે છતાં કોવિડ સેન્ટર્સ તો ખાલી જ પડ્યાં છે. બીકેસીમાં ૨૪૦૦ બેડ છે જેમાંના માત્ર ૮૦૦ જ બેડ પર દરદી છે. નેસ્કોમાં ૨૦૦૦ બેડ છે જેમાંથી ૯૦૦ જ ભરાયા છે. જ્યારે દહિસર કોવિડ સેન્ટરમાં તો ૭૫૦ બેડ છે છતાં ત્યાં હજી સુધી એક પણ દરદીને દાખલ કરાયો નથી. ૯૮ ટકા દરદીઓ કાં તો ઘરે રહીને અથવા પ્રાઇવેટ નર્સિંગ હોમમાં દાખલ થઈને સાજા થઈ રહ્યા છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલાં આ જમ્બો કોરોના કૅર સેન્ટર્સ અંતર્ગત મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.’
જોકે ગઈ કાલે એનો જવાબ આપતાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રવક્તા અને રાજ્યના લઘુમતી વિકાસ ખાતાના પ્રધાન નવાબ મલિકે કહ્યું હતું કે ‘ભેંસ દૂધ આપે છે એ સોમૈયાને દેખાતું જ નથી. તેમને તો માત્ર છાણ જ દેખાય છે. કોવિડ સેન્ટર્સને કારણે અનેક લોકોના જીવ બચે છે. એક પણ દરદીનું સારવાર વગર કે ઑક્સિજન વગર મૃત્યુ નથી થઈ રહ્યું. એ સામે ગુજરાતમાં તો કોરોનાના દરદીઓના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે, પણ કિરીટ સોમૈયા તો મહારાષ્ટ્રની જ ટીકા કરે છે.’ 

mumbai mumbai news nawab malik kirit somaiya