કૉન્ગ્રેસ અને NCPને દસ-દસ સીટ જ માંડ મળશે : નરેન્દ્ર મોદી

13 October, 2014 03:49 AM IST  | 

કૉન્ગ્રેસ અને NCPને દસ-દસ સીટ જ માંડ મળશે : નરેન્દ્ર મોદી



મહારાષ્ટ્ર વિધાનસભાનો ગઢ BJP માટે કબજે કરવા મેદાને પડેલા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બોરીવલી (વેસ્ટ)ની ચીકુ વાડીના સુધરાઈના મેદાનમાં રૅલી કરી હતી. પોતાના ચિર-પરિચિત અંદાજમાં મોદીએ કૉન્ગ્રેસ અને NCP સામે કટાક્ષો કર્યા હતા.

કૉન્ગ્રેસ અને NCPનો સફાયો

આ વખતની ચૂંટણીમાં કોણ જીતશે અને કોણ હારશે એનું મહત્વ નથી, પરંતુ મહારાષ્ટ્રનું ભવિષ્ય નક્કી થશે. NCPનું નિશાન ઘડિયાળ દર્શાવે છે કે આ વખતે પાર્ટી દસ સીટમાં સમેટાઈ જશે અને એની સાથે કૉન્ગ્રેસ પણ બે આંકડે નહીં પહોંચે. છેલ્લાં પંદર વર્ષમાં આ પાર્ટીઓની સરકારે રાજ્યને લૂંટી લીધું છે અને બે પેઢીઓનું ભવિષ્ય ધોઈ નાખ્યું છે.

ઇન્ડિયા શાઇનિંગ

કેન્દ્રમાં મારી સરકાર આવી ત્યારથી પાંચ મહિનામાં ભલે તમારા ખિસ્સામાં પૈસા નહીં આવ્યા હોય, પરંતુ તમને ફરક અનુભવાય છે? વિશ્વભરમાં ઇન્ડિયાને જે માન-સન્માન મળે છે એનાથી ગૌરવ અનુભવાય છેને? જ્યાં સુધી વિકાસ નહીં થાય ત્યાં સુધી યુવાનોને જૉબ નહીં મળે અને જો વિદેશી રોકાણ નહીં હોય તો જૉબ પણ ક્યાંથી ક્રીએટ થશે? જો મહારાષ્ટ્રમાં BJPની સરકાર આવશે તો દેશમાં ૧૦૦ બિલ્યન અમેરિકન ડૉલરનું (છ લાખ કરોડ રૂપિયા) વિદેશી રોકાણ આવશે એમાંથી મહારાષ્ટ્રને પણ એનો હિસ્સો મળશે. આ ઉપરાંત રેલવેનો વિકાસ અને બધા દેશવાસીઓને રહેવાનાં ઘરો મળે એ મારું સપનું છે.

ગુંડા નહીં, વર્કરો મદદ કરશે

ભલે તમારું નાનું કામ હોય, ૨૪ કલાકમાં મારી પાર્ટીના વર્કરો તમારી મદદે આવશે. પૉલિટિશ્યનો ગુંડાઓને પાળે છે એવું અમારા રાજમાં નહીં હોય. જોકે આ માટે સૌએ મતદાન કરવું પડશે. લોકસભાની ચૂંટણીમાં મુંબઈમાં ઓછું મતદાન થયું હતું, પરંતુ આ વખતે મૅક્સિમમ વોટિંગ કરજો.