પટનાઈકની બદલીમાં પવારપ્લે જવાબદાર

24 August, 2012 04:13 AM IST  | 

પટનાઈકની બદલીમાં પવારપ્લે જવાબદાર

૧૧ ઑગસ્ટે આઝાદ મેદાનમાં થયેલા હિંસાચારના ૧૩ દિવસ પછી મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકની બદલી થઈ છે, પણ આ બદલી એનસીપીના હેવી વેઇટ નેતા શરદ પવારની દખલગીરી બાદ કરવામાં આવી હતી.

હોમ-ડિપાર્ટમેન્ટે આ બદલી માટે દરખાસ્ત મોકલી દીધી, પણ બુધવારે રાત્રે શરદ પવારે ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણને ફોન કર્યો એ પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો એમ રાજકીય સાધનો જણાવે છે.

૧૩ ઑગસ્ટે હોમ-મિનિસ્ટર આર. આર. પાટીલે બદલીની દરખાસ્ત ચીફ મિનિસ્ટરને મોકલી દીધી હતી, કારણ કે તેમની સહી વગર આ બદલી થઈ શકતી નથી. સહી કરતાં પહેલાં ચીફ મિનિસ્ટરે જણાવ્યું હતું કે આ બદલી એક પનિશમેન્ટ ગણાશે અને એથી તેમણે પટનાઈકને પ્રમોશન આપવાની ભલામણ કરી. આથી હોમ-ડિપાર્ટમેન્ટે ફરી નવી દરખાસ્ત મોકલી અને એમાં પટનાઈકને પ્રમોશન આપવા ઉપરાંત કોને આ પોસ્ટ પર મૂકી શકાય તેમનાં નામ પણ આપ્યાં. આ દરખાસ્ત ૧૬ ઑગસ્ટે મોકલવામાં આïવી હતી અને ત્યારથી પેન્ડિંગ હતી.

આ દરમ્યાન એમએનએસના ચીફ રાજ ઠાકરેએ રૅલી કાઢી અને આઝાદ મેદાન પર સભા લઈને પટનાઈકના રાજીનામાની માગણી કરી.

કૉન્ગ્રેસના કેટલાય નેતાઓ પટનાઈકની બદલી કરવાના વિરોધમાં હતા. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર પણ એ જ મતના હતા. જોકે બુધવારે રાજ્યના પ્રધાનમંડળની બેઠક પછી બન્ને પાર્ટીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. છેવટે શરદ પવારે ચીફ મિનિસ્ટર સાથે રાત્રે વાત કર્યા બાદ આ બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એનસીપી : નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી, એમએનએસ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના