પુણેમાં NCP અને શિવસેના (UBT)ના પદાધિકારીઓ BJPમાં પ્રવેશ્યા

21 December, 2025 08:23 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

થોડા દિવસ પહેલાં BJPના ભૂતપૂર્વ નગરસેવકોને પોતાની પાર્ટીમાં લેવાનું અજિત પવારને મોંઘું પડ્યું, વળતા જવાબમાં તેમના જ ગઢમાં ગાબડું પડ્યું

ગઈ કાલે અન્ય પાર્ટીના નેતાઓને પાર્ટીમાં પ્રવેશ અપાવ્યા પછી BJPના સિનિયર નેતા.

આગામી ૧૫ જાન્યુઆરીએ પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં પુણે અને પિંપરી-ચિંચવડમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ વિરોધી પક્ષો સાથે-સાથે રાજ્ય સ્તરે સાથીપક્ષ NCPને પણ મોટો ઝટકો આપ્યો હતો. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં જ બારામતીના ગેસ્ટહાઉસમાં અજિત પવારે BJPના કેટલાક ભૂતપૂર્વ નગરસેવકો અને પદાધિકારીઓને NCPમાં પ્રવેશ અપાવ્યો હતો.

ગઈ કાલે એક જાહેર કાર્યક્રમમાં પુણે અને પિંપરી-ચિંચવડના રાષ્ટ્રવાદી કોન્ગ્રેસ પાર્ટી (અજિત પવાર અને શરદ પવાર બન્ને જૂથ) અને શિવસેના (UBT)ના સિનિયર આગેવાનોએ BJPના પદાધિકારીઓની હાજરીમાં ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર-BJPના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ, વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળે, કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળ, મિનિસ્ટર ચંદ્રકાંત પાટીલ સહિતના સિનિયર લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા.

NCP (SP)ના વિધાનસભ્ય બાપુસાહેબ પાઠારેના દીકરા સુરેન્દ્ર પાઠારે અને શિવસેના (UBT)ના શહેર પ્રમુખ સંજોગ વાઘેરેના BJPમાં પ્રવેશને કારણે મહાવિકાસ આઘાડીને મોટો ફટકો પડ્યો છે. આ ઉપરાંત એક ભૂતપૂર્વ મેયર, ૩ ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર, બે ભૂતપૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ અને અનેક ભૂતપૂર્વ કૉર્પોરેટરો BJPમાં જોડાયા હતા. અજિત પવારના નેતૃત્વવાળી NCPના ગઢ ગણાતા પિંપરી-ચિંચવડમાં અજિત પવાર ગ્રુપના ૮ મોટા નેતાઓએ BJPનો હાથ પકડ્યો છે.

mumbai news mumbai bharatiya janata party nationalist congress party uddhav thackeray pune pune news political news