હિટલરની બાયોગ્રાફીમાંથી વિલે પાર્લેમાં ડ્રગ્સ પકડાયું

14 April, 2021 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યંગસ્ટર્સ દ્વારા યુરોપની કન્ટ્રીમાંથી આ ડ્રગ મેળવાયું હતું જેનો ડાર્ક નેટ પર ઑર્ડર આપવામાં આવ્યો હતો

એનસીબીના અધિકારીઓને પાર્સલ સાથે મળી આવેલા એલએસડી બ્લોટ અને એ એલએસડી બ્લોટ જેમાં છુપાવાયેલા એ ઍડૉલ્ફ હિટલરની આત્મકથા

બૉલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુના કેસની તપાસમાં ડ્રગ્સનો ઍન્ગલ નીકળ્યા બાદ અવારનવાર રેઇડ પાડીને ડ્રગ અને ડ્રગ-પેડલરોને પકડતા એનસીબી (નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો)એ સોમવારે વિલે પાર્લેમાં આવેલી એપીએસઓ (યુએસથી આવતી પોસ્ટને ક્લિયર કરતી પોસ્ટ-ઑફિસ)માંથી એક પાર્સલ જપ્ત કર્યું હતું. એમાં જર્મનીના નાઝી સરમુખત્યાર ઍડૉલ્ફ હિટલરની આત્મકથા હતી. જોકે વધુ તપાસ કરતાં એ આત્મકથામાં છુપાવાયેલા એલએસડીના ૮૦ બ્લોટ (સ્ટૅમ્પ સાઇઝનું ડ્રગ) પણ મળી આવ્યા હતા.

એનસીબીના રીજનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું હતું કે ‘યંગસ્ટર્સ દ્વારા યુરોપની કન્ટ્રીમાંથી આ ડ્રગ મેળવાયું હતું જેનો ડાર્ક નેટ પર ઑર્ડર આપવામાં આવ્યો હતો. વળી એનું પેમેન્ટ પણ બીટકૉઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં કરાયું હતું. એલએસડી લેસર્જિક ઍસિડ ડાયથેલામાઇડનું કૉમન નામ છે. આ ડ્રગ લેવાથી વ્યક્તિને અલગ-અલગ વસ્તુઓ અને ભ્રમણાઓ થતી દેખાય છે જે ખરેખર તો કાલ્પનિક હોય છે. યંગસ્ટર્સમાં આ બહુ કૉમન અને ફેવરિટ ડ્રગ છે. સ્ટૅમ્પ સાઇઝનો બ્લોટ જીભ પર મૂકતાંની સાથે જ એની અસર થવા માંડે છે અને નશો ચડે છે.’

mumbai mumbai news Crime News ncb