ડ્રગ્સ કેસ: ડ્રગ પેડલરના ટોળાએ NCBની ટીમ પર કર્યો હુમલો, ત્રણની ધરપકડ

23 November, 2020 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડ્રગ્સ કેસ: ડ્રગ પેડલરના ટોળાએ NCBની ટીમ પર કર્યો હુમલો, ત્રણની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

બૉલીવુડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસને લીડ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને એમની પાંચ સભ્યોની ટીમ પર ડ્રગ પેડલર્સની ટોળકીએ હુમલો કર્યો છે. આ હુમલામાં NCBના બે સભ્યોને ઇજા પહોંચી છે, પરંતુ મળતી માહિતી પ્રમાણે તમામ અધિકારીઓ સુરક્ષિત છે.

NCB તરફથી મળતી માહિતી પ્રમાણે, સમીર વાનખેડેની આગેવાની હેઠળ NCBની ટીમ મુંબઈના ગોરેગાંવના જવાહર નગર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવા ગયેલી. તે દરમિયાન ડ્રગ પેડલર્સ અને તેની સાથે 60 જેટલા લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને પથ્થર-લાકડીઓથી NCBની ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલામાં NCBના બે અધિકારી વિશ્વવિજય સિંહ અને શિવા રેડ્ડીને ઇજા પહોંચી હતી. જોકે બંને અધિકારી અત્યારે સુરક્ષિત છે. ગોરેગાંવ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર્સના એક ગ્રુપે રવિવારે રાતે NCBની ટીમના કુલ 5 સભ્યો પર જીવલેણ હુમલો કર્યો

આ હુમલાના કેન્દ્રમાં ડ્રગ પેડલર કેરી મેન્ડિસ અને તેના મળતીયા ગુંડાઓ વિપુલ આગરે, યુસુફ શેખ, અમીન અબ્દુલની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં LSD ડ્રગ પણ મળી આવ્યું હતું. અત્યારે જોકે સ્થિતિ નિયંત્રણમાં છે. આ ચારેય વિરુદ્ધ IPCની કલમ 353 હેઠળ કેસ દાખલ કરાયો છે.

તમને જણાવી દઈએ કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી બૉલીવુડ અને ટેલિવિઝન જગતમાં ડ્રગ્સના ઉપયોગ અને સપ્લાય પર NCB સતત કાર્યવાહી કરી રહ્યું છે. ડ્રગ્સ કનેક્શનમાં બૉલીવુડ અને ટેલિવિઝનના અનેક સેલબ્ઝ અને આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ NCBની કાર્યવાહી હજી પણ ચાલુ છે.

ઉપરાંત, NCB ટીમ પર થયેલા હુમલાની ઘટનામાં વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

mumbai mumbai news Crime News