NCB અધિકારી જ્ઞાનેશ્વર સિંહે મને હેરાન કર્યો: સમીર વાનખેડેની અનુસૂચિત જાતિ આયોગને ફરિયાદ

19 October, 2022 08:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આર્યન ખાન ડ્રગ કેસમાં જ્ઞાનેશ્વર સિંહે સમીર વાનખેડે અને અન્ય કેટલાક અધિકારીઓની પૂછપરછ કરી હતી

ફાઇલ તસવીર

આર્યન ખાન ડ્રગ કેસમાં ચર્ચામાં રહેલા NCBના તત્કાલીન ઝોનલ ઑફિસર સમીર વાનખેડે (Sameer Wankhede)એ NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહ સામે હેરાનગતિની ફરિયાદ કરી છે. સમીર વાનખેડેએ આ મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને ફરિયાદ કરી છે. એનસીબીના રિપોર્ટથી સ્પષ્ટ છે કે આર્યન ખાન ડ્રગ કેસમાં તપાસમાં કેટલીક ભૂલો જોવા મળી હતી અને આ કેસમાં દોષી અધિકારીઓ સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.

આર્યન ખાન ડ્રગ કેસમાં જ્ઞાનેશ્વર સિંહે સમીર વાનખેડે અને અન્ય કેટલાક અધિકારીઓની પૂછપરછ કરી હતી. આ કેસમાં સમીર વાનખેડેએ કરેલી તપાસમાં મોટો વિવાદ ઊભો થયો હતો. આર્યન ખાનને ક્લીનચીટ આપવામાં આવ્યા બાદ, NCBની તકેદારી સમિતિ દ્વારા કેસની તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં ક્ષતિઓ માટે સમીર વાનખેડેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
સમીર વાનખેડેએ 17 ઑક્ટોબરે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં જ્ઞાનેશ્વર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જ્ઞાનેશ્વર સિંહે તેમને હેરાન કર્યા હતા. સમીર વાનખેડે આ મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષને પણ મળ્યા હતા, જે બાદ પંચે મામલાની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.

NCBની વિજિલન્સ કમિટીના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આર્યન ખાન કેસના તપાસ અધિકારી સમીર વાનખેડે દ્વારા ઘણી ટેક્નિકલ ભૂલો કરવામાં આવી હતી. SITના રિપોર્ટને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લીધો હતો.

શું છે સમગ્ર પ્રકરણ?

3 ઑક્ટોબર, 2021ના રોજ, NCBએ મુંબઈથી ગોવા જતી કોર્ડેલિયા ક્રૂઝ પર મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું. સુપરસ્ટાર શાહરૂખ ખાનના મોટા પુત્ર આર્યન ખાન, તેના બાળપણના મિત્ર અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત અન્ય 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ આર્યનને ઘણા દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું હતું. દેશભરમાં પ્રખ્યાત થયેલા કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાનની સાથે છ લોકોને ક્લીનચીટ મળી છે. આ છ લોકોને મજબૂત પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ‘આ ત્રણ જગ્યાએ થશે બોમ્બ બ્લાસ્ટ’: મુંબઈ પોલીસ હેલ્પલાઈન પર આવ્યો ધમકીભર્યો ફોન

mumbai mumbai news NCB