એનસીબીના ત્રણ કેસમાં એક જ પંચ કેમ અને પંચ સાથેની લેડી ડૉન કોણ?

17 October, 2021 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદરમાં રહેતા ભૂતપૂર્વ સૈનિક ફ્લેચર પટેલનો એક મહિલા સાથેનો ફોટો ટ્‌વીટ કરીને નવાબ મલિકે એનસીબીની કામ કરવાની પદ્ધતિ સામે પ્રશ્ન કર્યો : એનસીબીએ તે દેશ માટે કામ કરતો હોવાનું કહ્યું તો સમીર વાનખેડેની મોટી બહેને સારા કામ કરનારાને બદનામ ન કરવાનું કહ્યું

ફાઈલ તસવીર

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના કામ કરવાના તરીકા સામે રાજ્યના કૅબિનેટ પ્રધાન અને એનસીપીના મુખ્ય પ્રવક્તા નવાબ મલિકે ગઈ કાલે કેટલાક સવાલ કર્યા હતા. તેમણે એનસીબીની તાજેતરમાં કરાયેલી કાર્યવાહી સંબંધિત કેટલાક ફોટો સાથે ટ્‌વીટ કરીને સવાલ કર્યા હતા કે એનસીબીની ત્રણ જુદી-જુદી કાર્યવાહીમાં ફ્લેચર પટેલ નામની એક જ વ્યક્તિ પંચ તરીકે શા માટે છે? આ માણસ સાથે મહિલાનો ફોટો પણ નવાબ મલિકે ટ્‌વીટ કર્યો છે, જેમાં નીચે લખવામાં આવ્યું છે કે માય સિસ્ટર લેડી ડૉન. આ મહિલા કોણ છે?

ટ્‌વીટ કર્યા બાદ નવાબ મલિકે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સીઆરપીસી કાયદામાં એક જ પંચને વારંવાર લેવામાં આવે તો કેસમાં દમ ન હોવાનું અનેક વખત કોર્ટે કહ્યું છે. એનસીબીના ત્રણ કેસમાં ફ્લેચર પટેલ પંચ કેવી રીતે થયા એનો જવાબ સમીર વાનખેડેએ આપવો જોઈએ? આ સિવાય આ મામલા સાથે લેડી ડૉનનો શું સંબંધ છે? આ લેડી ડૉન કોણ છે? આ રૅકેટ શું છે? લેડી ડૉનના માધ્યમથી બૉલીવુડમાં દહેશત ઊભી કરવાનો આ પ્રયાસ તો નથીને?’

નવાબ મલિકના સવાલનો સમીર વાનખેડેએ ગઈ કાલે કોઈ જવાબ નહોતો આપ્યો, પરંતુ ફ્લેચર પટેલ અને નવાબ મલિકે જે ફોટો ટ્‌વીટ કર્યો હતો એમાં લેડી ડૉન તરીકે ફ્લેચર પટેલે લખ્યું છે કે યાસ્મિન વાનખેડેએ નવાબ મલિકને એના જવાબ આપ્યા હતા.

દેશ માટે કામ કરું છું, કોઈથી ડરતો નથી : ફ્લેચર પટેલ

નવાબ મલિકે ત્રણ કેસમાં ફ્લેચર પટેલ પંચ કેવી રીતે બન્યો એવા કરેલા સવાલના જવાબમાં દાદરમાં રહેતા ભૂતપૂર્વ સૈનિક ફ્લેચર જોસેફ પટેલે કહ્યું હતું કે ‘એનસીબી અને સમીર વાનખેડે સારું કામ કરી રહ્યા છે. હું એક ભૂતપૂર્વ સૈનિક છું. સૈનિક ફાઉન્ડેશનના મુંબઈ અધ્યક્ષ તરીકે સમીર વાનખેડેને મદદ કરું છું. દેશમાં ડ્રગ્સ લાવીને યુવાનોને ડ્રગ્સ ઍડિક્ટ કરાઈ રહ્યા છે. એ રોકવાનું કામ એનસીબી કરી રહી છે એટલે તેમને જ્યારે જરૂર હોય ત્યારે હું મદદ કરું છું. સમીર વાનખેડેને માત્ર હું જ નહીં, આખો દેશ ઓળખે છે. નવાબ મલિકે ટ્‌વીટમાં શૅર કરેલા મારા ફોટોમાં લેડી ડૉન લખ્યું છે એ સમીર વાનખેડેનાં મોટાં બહેન યાસ્મિન વાનખેડે છે, જે મારાં પણ માનેલાં બહેન  છે. તે સામાજિક કાર્યકર છે એટલે આદરથી હું તેને લેડી ડૉન કહું છું. ગુનેગારોમાં એનસીબીની દહેશત હોવી જ જોઈએ. હું કોઈનાથી ગભરાતો નથી. દેશ માટે કામ કરતો રહીશ.’

સારું કામ કરનારાને બદનામ ન કરો : યાસ્મિન વાનખેડે

નવાબ મલિકને જવાબ આપતાં યાસ્મિન વાનખેડેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘કૅબિનેટ પ્રધાન આધાર વિનાનાં નિવેદન આપી રહ્યા છે. કોઈ પણ વિશે બોલતી વખતે તેમણે વિચાર કરવો જોઈએ. મારો ભાઈ સારું કામ કરી રહ્યો છે. હું મનસે ચિત્રપટ સેનાની ઉપાધ્યક્ષ છું અને કાયદેસરનું કામ કરી રહી છું. મારા રાજકીય પદ અને કામનો તેમણે આદર કરવો જોઈએ. સમાજને તેઓ ખોટી પ્રેરણા આપી રહ્યા છે. પુરાવા વિના તેમણે કંઈ ન બોલવું જોઈએ. કોઈને બદનામ કરવાનું કામ અમે નથી કરતા. જેઓ સારું કામ કરી રહ્યા છે તેમને બદનામ ન કરો. નવાબ મલિક ભવિષ્યમાં આવું ફરી કરશે તો તેમના પર માનહાનિનો કેસ કરીશ.’

આરોપ વચ્ચે એનસીબીના મુંબઈમાં દરોડા

કૅબિનેટ પ્રધાન નવાબ મલિકે એનસીબીની કાર્યવાહી સામે સવાલ ઊભા કર્યા છે ત્યારે ગઈ કાલે એનસીબીએ પોતાનું કામ ચાલુ રાખીને બાંદરા, અંધેરી અને પવઈ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. ડ્રગ્સ પેડલરોની માહિતી મળ્યા બાદ સવારથી એનસીબીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. એનસીબીની મુંબઈ ઝોનલ યુનિટની ટીમોએ આ દરોડા પાડ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

mumbai mumbai news