સુશાંતસિંહના કેસથી બૉલીવુડની ડ્રગની લિન્ક મળી એનસીબીને

06 September, 2020 11:08 AM IST  |  Mumbai | Agencies

સુશાંતસિંહના કેસથી બૉલીવુડની ડ્રગની લિન્ક મળી એનસીબીને

સુશાંતસિંહ રાજપૂત

સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ડ્રગ-ઍન્ગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના સાઉથ-વેસ્ટ ઝોનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ મુથા અશોક જૈને કહ્યું છે કે આ કેસને કારણે બોલીવુડમાં ડ્રગ-નેટવર્કની લિન્ક મળી છે અને એ કેટલે ઊંડે સુધી ફેલાયેલું છે એની અમને જાણ થઈ છે. આ કેસમાં અત્યાર સુધી પાંચ જણની ધરપકડ થઈ છે.

એનસીબીની તળમુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં આવેલી ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતાં મુથા અશોક જૈને કહ્યું હતું કે એનસીબી આ કેસની તપાસ એક લૉજિકલ કન્ક્લ્યુઝન સુધી લઈ જશે. અમે આ કેસમાં સંકળાયેલાં મોટાં માથાંની શોધ ચલાવી રહ્યા છીએ જે નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલે આમાં સંકળાયેલાં છે. અમે એ ટ્રાન્ઝૅક્શન્સની ઝીણવટભરી તપાસ કરીશું. આમ તો એ અમારી તપાસ અંતર્ગત નથી આવતું, પણ હવે જ્યારે ઇન્ફર્મેશન મળી છે ત્યારે એની પૂરતી તપાસ કરીશું.’

એક આરોપીના રિમાન્ડ લેતી વખતે એનસીબીએ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ મુંબઈમાં ખાસ કરીને બૉલીવુડમાં ફેલાયેલા ડ્રગ-નેટવર્કની તપાસ કરી એનો પર્દાફાશ કરવા માગે છે. મુથા અશોક જૈને વધુમાં કહ્યું હતું કે અમે આ કેસમાં રિયાને પણ સાથ આપવા કહીશું, કારણ કે એ લૉજિકલી જરૂરી છે. શૌવિક અને સૅમ્યુઅલ મિરાન્ડાની ધરપકડ કરવાનો આશય એ છે કે તેઓએ ચોક્કસ શું ભાગ ભજવ્યો હતો એની જાણ થઈ શકે એથી અમે રિયાને પણ તપાસમાં સાથ આપવા કહીશું અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે કોણે શું રોલ નિભાવ્યો હતો. અમે આ કેસમાં મજબૂત પગલાં લઈ રહ્યા છીએ અને જેકોઈ એને માટે જવાબદાર લાગશે તેમને પુછપરછ માટે બોલાવીશું.’

કંગના રનોટ બૉલીવુડમાં ડ્રગની બદી ફેલાઈ છે એ વિશે ઘણું બધું બોલી રહી છે તો શું તેની પણ પૂછપરછ થશે? એના જવાબમાં તેમણે કહ્યું હતું કે કંગના આ કેસ સાથે ડાયરેક્ટલી સંકળાયેલી નથી. તે જો અમને કોઈ માહિતી આપશે તો અમે એ કેસ સાથે સાંકળી શકાય કે નહીં એ જોઈશું.
તેમણે મીડિયાને કહ્યું હતું કે હવે પછી કેસમાં કોની ધરપકડ થશે એ વિશેના આગોતરા અંદાજો બાંધીને ન્યુઝ ન ચલાવો. તેમણે કેસ સાથે સંકળાયેલા પુરાવા વિશે પણ કોઈ માહિતી આપવાની ના પાડી હતી.

સુશાંતના રસોઈયાની ધરપકડ

નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)એ શનિવારે સુશાંત સિંહ રાજપૂતના રસોઈયા દીપેશ સાવંતની ધરપકડ કરી હતી. એનસીબીએ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો ત્યાર બાદ કલાકો સુધી તેની પૂછપરછ કરાઈ હતી અને આખરે કેસમાં ઇન્વોલ્વમેન્ટ જણાતા રાતે ૮ વાગ્યે તેની ધરપકડ કરાઈ હતી. સવારે ૧૧ વાગ્યે તેને એસ્પ્લેનેડ કોર્ટ(કિલ્લા કોર્ટ)માં હાજર કરાશે. એનસીબીએ એનડીપીએસ અૅક્ટ હેઠળ તેનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું. એની સામે પૂરતા પુરાવા મળ્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી.

mumbai mumbai news mumbai crime news Crime News crime branch bihar mumbai police rhea chakraborty