એનસીબીએ વધુ એક ઍક્ટ્રેસની કરી ધરપકડ

04 January, 2021 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીબીએ વધુ એક ઍક્ટ્રેસની કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા નશાના ગેરકાયદે ધંધા સામેની કાર્યવાહી સતત ચાલી રહી છે. અત્યાર સુધી ડ્રગ્સના મામલામાં અનેક ફિલ્મી કલાકારોનાં નામ સામે આવ્યાં છે. આવા સમયે એનસીબીની ટીમે શનિવારે રાતે મીરા રોડમાં આવેલી એક હોટેલમાં કાર્યવાહી કરીને એક ટૉલીવુડ અભિનેત્રી અને ડ્રગ્સ-પેડલરની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૧૦ લાખ રૂપિયાનું ૪૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

એનસીબીના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ મીરા રોડની એક હોટેલમાં ડ્રગ્સ-સપ્લાયરો ટૉલીવુડની એક હિરોઇનને ડ્રગ્સ આપવા આવવાના હોવાની માહિતી મળ્યા બાદ અહીં છટકું ગોઠવાયું હતું. સૂચના મુજબ હોટેલમાં તપાસ-એજન્સીએ કાર્યવાહી કરતાં એક અભિનેત્રી અને એના ડ્રગ્સ-પેડલર નશીલા પદાર્થ સાથે રંગેહાથ પકડાયાં હતાં, જ્યારે તેમનો એક સાથી પલાયન થઈ ગયો હતો.

એનસીબીની ટીમ ટૉલીવુડની અભિનેત્રીની પૂછપરછ કરી રહી છે અને ડ્રગ્સ-પેડલર કોની પાસેથી આ નશીલા પદાર્થ લાવે છે અને કોને પહોંચાડે છે એની તપાસ કરી રહી છે.

છેલ્લા ત્રણ મહિનામાં એનસીબીએ ૩૦ નવા કેસ નોંધીને ૯૨ લોકોની ધરપકડ કરી હોવાનું એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું. ડ્રગ્સના ગેરકાયદે ધંધા સાથે સંકળાયેલા લોકો સામે મુંબઈ અને ગોવામાં સખતાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક વર્ષમાં ૪૬ કેસ નોંધીને આરોપીઓ પાસેથી વિવિધ પ્રકારના નશીલા પદાર્થ જપ્ત કરાયા હોવાનું તેમણે કહ્યું હતું.

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police