નવાબ મલિક પાસે સમીર વાનખેડે વિરુદ્ધના મજબૂત પુરાવા હોઈ શકે

24 October, 2021 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જયંત પાટીલે કહ્યું કે એનસીબીના અધિકારીની વિરુદ્ધમાં કંઈક હશે તો જ તેઓ બોલી રહ્યા હશે

જયંત પાટીલ

એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે નવાબ મલિક પાસે એનસીબીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ મજબૂત પુરાવા હોવાની શક્યતા છે, કારણ કે એ વગર તેઓ આ અધિકારી વિરુદ્ધ નિવેદન ન આપે.

છેલ્લા કેટલાક દિવસથી એનસીપીના પ્રધાન અને મુખ્ય પ્રવક્તા નવાબ મલિક એનસીબી દ્વારા ક્રૂઝ પર દરોડા પાડીને ડ્રગ્સ સંબંધિત તપાસમાં બૉલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ કરાયા બાદથી સતત એનસીબીના મુંબઈ ઝોનના ડિરેક્ટર સમીર વાનખેડે પર હુમલા કરી રહ્યા છે. બે દિવસ પહેલાં તેમણે એક પુરાવો હાથ લાગ્યા બાદ સમીર વાનખેડેની નોકરી જશે અને તે એક પણ દિવસ સરકારી અધિકારી નહીં રહે એટલું જ નહીં, એક દિવસ તે જેલમાં જશે એવી ભવિષ્યવાણી પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ૧૩ જાન્યુઆરીએ એનસીબીએ નવાબ મલિકના જમાઈ સમીર ખાનની ડ્રગ્સ ધરાવવાના આરોપસર ધરપકડ કરી હતી, જેને બાદમાં સપ્ટેમ્બર મહિનામાં જામીન મળ્યા હતા.

જયંત પાટીલે પાલઘરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘નવાબ મલિક પાસે જરૂર કોઈક પુરાવા હશે એટલે તેઓ એનસીબીના અધિકારી સમીર વાનખેડે સામે સતત નિવેદન આપી રહ્યા છે. કંઈક નક્કર હશે તો ટૂંક સમયમાં એ સામે આવી જશે.’

બીજેપી દ્વારા મહા વિકાસ આઘાડી સરકારને તોડી પાડવા માટેના પ્રયાસ કરાઈ રહ્યા હોવા વિશે જયંત પાટીલે કહ્યું હતું કે ‘સ્પષ્ટ છે કે કેન્દ્ર દ્વારા મહાવિકાસ આઘાડી સરકારને તોડી પાડવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. જ્યારે તેમને લાગ્યું કે આવી રીતે સરકાર નહીં તૂટે તો તેમણે સરકારને બદનામ કરવાનું ચાલું કર્યું છે. રાજકારણીઓ સામેના જૂના કેસને ફરીથી બહાર કાઢીને દરોડા પાડવામાં આવી રહ્યા છે. બ્લૅક મનીને શોધવાને બદલે કે ટૅક્સની ચોરી કરનારા મોટા બિઝનેસમૅનને બદલે ઈડી અને ઈન્કમ ટૅક્સ વિભાગ રાજકારણીઓને નિશાન બનાવાઈ રહ્યા છે.’

mumbai mumbai news