શૅરબજારમાં નુકસાનને લીધે નેવી ઑફિસરે જીવ ગુમાવ્યો હોવાની શક્યતા

08 February, 2021 12:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૅરબજારમાં નુકસાનને લીધે નેવી ઑફિસરે જીવ ગુમાવ્યો હોવાની શક્યતા

નેવી અધિકારી સૂરજકુમાર

૨૭ વર્ષના નેવી અધિકારી સૂરજકુમાર મિથિલેશ દુબેએ શૅરબજારમાં રોકાણ કરવા માટે મોટી રકમની લોન લીધા બાદ માથા પર વધારે દેવું થઈ જવાથી પોતાના અપહરણનો ડ્રામા કર્યો હોવાની શક્યતા પોલીસને તપાસમાં જણાઈ છે.‍ ૧૫ દિવસ પહેલાં તેની સગાઈ થઈ હતી અને શૅરબજારમાં રોકાણ માટે તેણે સાસારિયાં પાસેથી ૯ લાખ રૂપિયા લીધા હતા. પરિવારને ખંડણીનો ફોન આવ્યો ન હોવાથી અપહરણનો ડ્રામા તેણે પોતે ઘડ્યો હોવાની પોલીસને શંકા છે.

પાલઘરના ઘોલવડ વિસ્તારમાં સૂરજકુમાર દુબેના મૃત્યુના મામલાની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. તેણે પોતાના સહ-અધિકારીઓ પાસેથી ૫.૭૫ લાખ રૂપિયા ઉપરાંત સાસરિયાં પાસેથી ૯ લાખ રૂપિયા શૅરબજારમાં રોકાણ કરવા માટે લીધા હતા. ઉધાર લીધેલી રકમ પોતાના સહ-અધિકારીઓને પાછી આપવામાં તે ટાળમટોળ કરતો હતો.

સૂરજકુમારનાં બૅન્કમાં બે અકાઉન્ટ હતાં, જેમાં ૩૯૨ રૂપિયા જ છે. તે શૅરબજારમાં ટ્રેડિંગ કરવા માટે એક મોબાઇલ તો અન્ય કામો માટે ત્રણ મોબાઇલ ધરાવતો હતો. આ વાત તેણે પોતાના પેરન્ટ્સથી છુપાવી હતી.

mumbai mumbai news Crime News