ન્યુઝ શોર્ટમાં: માડી તારા આવવાનાં એંધાણ થયાં

22 September, 2025 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબાદેવી મંદિરની બહાર ગઈ કાલે ભારે પોલીસ-બંદોબસ્ત જોવા મળ્યો હતો.

તસવીરો : શાદાબ ખાન

આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે ગઈ કાલે પરેલની વર્કશૉપમાંથી અનેક મંડળો માતાજીની મૂર્તિઓ વાજતેગાજતે લઈ ગયાં હતાં.

નવરાત્રિનો બંદોબસ્ત મુંબાદેવી મંદિરમાં

નવરાત્રિ નિમિત્તે કોઈ પણ અપ્રિય ઘટના ન બને એ માટે મુંબઈ પોલીસ દ્વારા ચાંપતાં પગલાં લેવામાં આવ્યાં છે. મુંબાદેવી મંદિરની બહાર ગઈ કાલે ભારે પોલીસ-બંદોબસ્ત જોવા મળ્યો હતો. મુંબઈનાં મોટા ભાગનાં જાણીતાં મંદિરો પર પોલીસ-બંદોબસ્ત રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

સર્વપિતૃ અમાસે બાણગંગા પર પિતૃતર્પણ

સનાતન ધર્મમાં શ્રાદ્ધપક્ષમાં પિતૃતર્પણનો મહિમા હોય છે. ગઈ કાલે ભાદરવી અમાસ હતી. જે શ્રાદ્ધપક્ષનો અંતિમ દિવસ હતો. એને સર્વપિતૃ અમાસ પણ કહેવામાં આવે છે. ગઈ કાલે મુંબઈના વાલકેશ્વરના પવિત્ર એવા બાણગંગા તળાવના કાંઠે પિતૃતર્પણની વિધિ કરી સેંકડો શ્રદ્ધાળુઓએ તળાવમાં ડૂબકી લગાવી હતી. અનેક લોકોએ તેમના પિતૃઓને યાદ કરી તેમની સદ્ગતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના આશીર્વાદ મેળવવા શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધવિધિ કરી મુંડન પણ કરાવ્યું હતું. તસવીરો : શાદાબ ખાન

ફિલિપીન્સમાં સરકારના ભ્રષ્ટાચાર સામે યુવાનોનું વિરોધ-પ્રદર્શન

છેલ્લા ઘણા સમયથી ફિલિપીન્સમાં અમીરોનાં વંઠેલ સંતાનો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીણો અવાજ ઊઠી રહ્યો હતો. ગઈ કાલે મનીલામાં એ અવાજને વિરોધ-પ્રદર્શનનું સ્વરૂપ મળ્યું હતું. લોકોએ રસ્તા પર રૅલી કાઢીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને મનીલાના પ્રેસિડેન્શિયલ પૅલેસનું કમ્પાઉન્ડ તોડીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.

આ વર્ષે સૌથી મોટું કોળું ૯૬૯ કિલોનું

ગયા વીક-એન્ડમાં રશિયાના મૉસ્કોમાં જાયન્ટ પમ્પકિન કૉન્ટેસ્ટ યોજાઈ હતી. એમાં યુરોપના વિવિધ દેશોમાંથી ખેડૂતો પોતાનાં કોળાં લઈને આવ્યા હતા. મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીના બૉટનિકલ ગાર્ડનમાં યોજાયેલી આ સ્પર્ધામાં ઍલેક્ઝાન્ડર ચુસોવ નામના ખેડૂતભાઈએ પોતાનો જ રેકૉર્ડ તોડ્યો હતો. આ વખતે તેમણે ૯૬૯ કિલોનું એક કોળું ઉગાડ્યું હતું. 

mumbai news mumbai navratri religious places festivals