આ વખતે પણ નવરાત્રિમાં વરસાદ બની શકે છે વિલન

26 September, 2022 01:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવામાન વિભાગે ૩૦ સપ્ટેમ્બરથી ૬ ઑક્ટોબર દરમ્યાન ચોમાસાની વિદાય વખતે વરસાદ પડવાની આગાહી કરી

ફાઇલ તસવીર

આજથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે ત્યારે આયોજકો અને રાસરસિયાઓના રંગમાં ભંગ પડે એવા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. ચોમાસું ૧૫ સપ્ટેમ્બરની આસપાસ વિદાય થવાની શક્યતા હતી, પરંતુ વાતાવરણમાં આવેલા ફેરફારને લીધે હવે ચોમાસાનો પાછોતરો વરસાદ ૩૦ સપ્ટેમ્બરથી ૬ ઑક્ટોબર દરમ્યાન પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. નવરાત્રિ ૨૬ સપ્ટેમ્બર એટલે કે આજથી ૪ ઑક્ટોબર દરમ્યાન છે. આથી વરસાદ પડશે તો માતાની પૂર્જા-અર્ચના કરવાના આ તહેવારમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જુલાઈ મહિનામાં શરૂ થયેલા ચોમાસાની વિદાયનાં એંધાણ રાજ્યના કેટલાક ભાગમાં દેખાવા લાગ્યાં છે. આથી ચારેક દિવસ વિરામ લીધા બાદ આગામી ચાર દિવસમાં વિદર્ભ અને કોંકણ-ગોવાને બાદ કરતાં રાજ્યના અન્ય ભાગોમાં વરસાદનું જોર ફરી વધશે.  

મુંબઈની વાત કરીએ તો આગામી ચાર દિવસ પછી ફરી હળવોથી મધ્યમ વરસાદ પડશે, જે ૬ ઑક્ટોબર સુધી કાયમ રહેશે. બાદમાં ચોમાસું લગભગ પૂરું થઈ જશે. મુંબઈને અડીને આવેલા થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં પણ અત્યારના વિરામ બાદ ઝરમરથી લઈને હળવો અને મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે ૧૫ સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય થવાની આગાહી કરી હતી. જોકે બાદમાં હવામાનમાં આવેલા ફેરફારને પગલે મુંબઈ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં નવરાત્રિમાં અચૂક વરસાદ પડે જ છે, જેને લીધે રાસરસિયાઓના રંગમાં ભંગ પડે છે. આ વર્ષે પણ આવી જ સ્થિતિ ઊભી થઈ શકે છે.

mumbai news navratri Weather Update mumbai weather