આ વર્ષે ડબલ જોશ અને ઉત્સાહ સાથે નવરાત્રિ મનાવીશું: ફાલ્ગુની પાઠક

25 August, 2022 11:45 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

ફરી એક વાર બોરીવલીમાં નવરાત્રિ કરી રહેલી દાંડિયાક્વીને કહ્યું કે કોરોનાને લીધે બે વર્ષ લોકોએ માતાના ગરબા વગર રહેવું પડ્યું

ગઈ કાલે બોરીવલીમાં નવરાત્રિ ઉત્સવની જાહેરાત માટે રાખવામાં આવેલી પ્રેસ કૉન્ફરન્સમાં માતાજીને નમન કરી રહેલી ફાલ્ગુની પાઠક. (તસવીર : નિમેશ દવે)

પાંચ વર્ષથી બોરીવલીમાં દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક નવરાત્રિમાં લોકગીતો અને બૉલીવુડની ધૂન પર રાસરસિયાઓને મંત્રમુગ્ધ કરી દે છે ત્યારે આ વર્ષે પણ બોરીવલીમાં શો ગ્લિટ્સ ઇવેન્ટ્સ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ માટે બોરીવલીના ચીકુવાડી ગ્રાઉન્ડમાં ફાલ્ગુની પાઠક અને તેનું તાથૈયા ગ્રુપ તૈયાર થઈ ગયું છે. બોરીવલીના લિજેન્સી બૅન્ક્વેટમાં ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી, જેમાં બોરીવલીના આંગણે નવરાત્રિની જાહેરાત કરાઈ હતી. ફાલ્ગુની પાઠકની સાથે સંસદસભ્ય ગોપાલ શેટ્ટી, આયોજક સંતોષ ​સિંહ, કૉર્પોરેટર શિવાનંદ શેટ્ટી હાજર રહ્યા હતા.

દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે કોવિડને કારણે બે વર્ષ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ શકી નહોતી. લોકોએ બહુ મુશ્કેલીઓ પણ ઉઠાવી હતી, પણ આ વર્ષે નવરાત્રિ ઊજવી શકાશે અને એ માટે હું મારી ટીમ સાથે પુરજોશમાં તૈયાર છું, દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો માટે કંઈક અલગ કરીશું. લોકગીતની સાથે જૂનાં ગીતોને નવા અંદાજમાં રજૂ કરીશું, આ વર્ષે ડબલ જોશ અને ઉત્સાહ સાથે દેવીમાંના આશીર્વાદ સાથે નવરાત્રિની ઉજવણી કરીશું. હું મુંબઈકરોને એટલું જ કહીશ કે નવરાત્રિ ઉત્સવમાં તમે બોરીવલી જરૂરથી પધારજો, સાથે મળીને માની આરાધાનાની સાથે ગરબાની રમઝટ બોલાવીશું.

નવરાત્રિ ઉત્સવના આયોજક શો ગ્લિટ્સ ઇવેન્ટ્સ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર સંતોષ સિંહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બોરીવલીમાં આયોજિત આ નવરાત્રિ ઉત્સવને ચૅરિટીનું માધ્યમ બનાવવામાં આવ્યું છે અને આ આયોજનમાંથી મળનારી રકમનો એક ભાગ કૅન્સરપીડિતોને આપવામાં આવશે. નવરાત્રિ માટેના પાસ પહેલી સપ્ટેમ્બર બાદ બુક માય શોમાંથી લોકો મેળવી શકશે.

mumbai mumbai news navratri falguni pathak urvi shah-mestry