નવરા​ત્રિ માટે સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે સરકાર?

13 September, 2022 08:20 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

મુખ્ય પ્રધાન સમક્ષ આવી ડિમાન્ડ કરી છે બોરીવલીમાં આવેલા માગાથાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ. તેમનું કહેવું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે કોર્ટમાં રજૂઆત કરીને રાસરસિયાઓને આ છૂટ અપાવવી જોઈએ

ફાઇલ તસવીર

ગુજરાત અને રાજસ્થાનમાં રાતના મોડે સુધી રાસગરબા અને માતાની પૂજા-અર્ચના થઈ શકતી હોય તો મહારાષ્ટ્રમાં હિન્દુત્વવાદી સરકાર છે એટલે અહીં પણ નવરાત્રિની નવેનવ રાતે ૧૨ વાગ્યા સુધીની પરવાનગી રાજ્ય સરકારે આપવી જોઈએ એવી માગણી એકનાથ શિંદે જૂથના માગાથાણેના વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ મુખ્ય પ્રધાનને પત્ર લખીને કરી છે. ૨૬ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે એટલે રાજ્ય અને કેન્દ્ર સરકારે આ સંબંધે સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને હિન્દુઓના આ નવ દિવસના તહેવારને વધારાની છૂટછાટ આપવાની માગણી કરવી જોઈએ એવો મત તેમણે વ્યક્ત કર્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ મહારાષ્ટ્રમાં રાતના ૧૨ વાગ્યા સુધી કાર્યક્રમોનું આયોજન કરવા માટે ૧૫ દિવસ ફાળવવામાં આવ્યા છે. આમાંથી નવરાત્રિને અત્યારે માત્ર બે દિવસ એટલે કે આઠમ અને નોમની રાત્રે રાતના ૧૨ વાગ્યા સુધીની પરવાનગી છે. તાજેતરમાં જ પૂરા થયેલા ચોમાસુ સત્રમાં નવરાત્રિને વધુ દિવસો ફાળવવા માટે મીરા ભાઈંદરનાં અપક્ષ વિધાનસભ્ય ગીતા જૈને પણ માગણી કરી હતી, જેના પર સરકારે હજી સુધી કોઈ નિર્ણય નથી લીધો.

નવરાત્રિ ૨૬ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહે છે એટલે હવે માત્ર ૧૪ જ દિવસ બાકી છે ત્યારે માગાથાણેના શિંદે ગ્રુપના શિવસેનાના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે જે છેલ્લાં વીસેક વર્ષથી નવરાત્રિનું આયોજન કરે છે તેમણે ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે ‘અત્યારે રાજ્યમાં હિન્દુત્વવાદી સરકાર છે. આપે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સત્તામાં આવ્યા બાદ તમામ પ્રતિબંધો દૂર કરતાં દહીહંડી અને ગણેશોત્સવ મોટા પ્રમાણમાં ઉત્સાહથી ઊજવવામાં આવ્યા. ૨૬ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમ્યાન મુંબઈમાં ઠેકઠેકાણે નવરાત્રિમાં ગરબા-દાંડિયાનું આયોજન થશે. ગુજરાત અને રાજસ્થાનમાં મોડી રાત સુધી નવરાત્રિની પરવાનગી હોય છે તો મહારાષ્ટ્રમાં પણ નવરાત્રિના નવેનવ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધીની પરવાનગી આપવામાં આવે એવી નમ્ર વિનંતી.’

રાજ્ય સરકારે નવરાત્રિ માટે બે જ દિવસ મોડે સુધી રમવાની પરવાનગી આપી છે તો તમે કયા આધારે નવેનવ રાતના ૧૨ વાગ્યા સુધીની મંજૂરી આપવા સંબંધી પત્ર મુખ્ય પ્રધાનને લખ્યો? એવા પ્રશ્નના જવાબમાં વિધાનસભ્ય પ્રકાશ સુર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્ય અને કેન્દ્રમાં અત્યારે હિન્દુત્વવાદી સરકાર છે. નવરાત્રિ હિન્દુઓનો માતાની પૂજા-અર્ચના કરવાની સાથે રાસગરબા રમવાનો મહત્ત્વનો તહેવાર છે. આથી મારું માનવું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. સુપ્રીમ કોર્ટનો નૉઇસ પૉલ્યુશનને લઈને જે ચુકાદો છે એના સંદર્ભમાં રિટ પિટિશન કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારે હિન્દુઓના આ તહેવારમાં રાહત આપવાની માગ કરવી જોઈએ. સરકારો ઓબીસી અને મરાઠા આરક્ષણ આપી શકે અને દહીહંડીને રમતનો દરજ્જો આપી શકે છે તો મને લાગે છે કે તેમણે નવરાત્રિને પણ ન્યાય આપીને હિન્દુઓની ભાવના પ્રત્યે કાયદાકીય રીતે નિર્ણય લેવો જોઈએ.’

વિધાનસભ્ય પ્રકાશ સુર્વેના આ પત્રે નવરાત્રિના આયોજકો અને માતાની ભક્તિ કરવાની સાથે રાસગરબા રમવાના શોખીનોમાં રોમાંચ લાવી દીધો છે. મુંબઈમાં રાતના ૧૦ વાગ્યે લાઉડસ્પીકર બંધ થાય છે એટલે નવરાત્રિનો ચાર્મ જ જતો રહ્યો છે, કારણ કે મોટા ભાગના લોકો રાતના આઠેક વાગ્યે ઘરે આવીને ફ્રેશ થાય એટલી વારમાં તો રાસગરબા બંધ થઈ જાય છે. 

mumbai mumbai news navratri eknath shinde shiv sena supreme court thane