નવજીવન સોસાયટી પાસે ૩ વર્ષથી ખોદી નાખ્યો છે રસ્તો

16 August, 2012 06:35 AM IST  | 

નવજીવન સોસાયટી પાસે ૩ વર્ષથી ખોદી નાખ્યો છે રસ્તો

ત્રણ વર્ષથી વધુ સમય પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ ચેમ્બુર નાકા પાસે આવેલી નવજીવન કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની સામેનો રસ્તો ખોદી નાખ્યો હતો અને ત્યારથી રહેવાસીઓની ફરિયાદ મુજબ અહીં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી અને ખોદી નાખવામાં આવેલા રસ્તાને કારણે અહીં અકસ્માત થઈ રહ્યા છે.

થોડા સમય પહેલાં જ અહીં એક અકસ્માત થયો હતો એની માહિતી આપતાં નવજીવન કો-ઑપરેટિવ સોસાયટીના સેક્રેટરી કેશવ પમનાણીએ કહ્યું હતું કે ‘બે મહિના પહેલાં જ એક મજૂરે અહીં રસ્તો ક્રૉસ કરતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેના પરથી એક ટ્રક ફરી વળી હતી. છેલ્લાં ત્રણ વર્ષથી અહીં આ રસ્તો ખોદીને રાખવામાં આવ્યો છે અને સુધરાઈને અનેક વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં હજી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. બરાબર અમારી સોસાયટીની સામે જ બે મોટા ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે, જેને કારણે સિનિયર સિટિઝન્સ અને બાળકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. સોસાયટીના ગેટ નંબર ૧૭ અને ૧૮ની સામે તો ૨૧ ફૂટ ઊંડો ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે. આવી જ રીતે ગેટ નંબર ૧ની સામે ચાર ફૂટ ઊંડો ખાડો ખોદીને રાખવામાં આવ્યો છે. પહેલો ખાડો પાણીની પાઇપલાઇન નાખવાના હેતુથી ખોદવામાં આવ્યો હોવાનું સુધરાઈ કબૂલ કરે છે, પરંતુ બીજો ખાડો શેના માટે ખોદવામાં આવ્યો છે એની જાણકારી તો તેમની પાસે પણ નથી.’

આ જ સોસાયટીનાં અન્ય એક રહેવાસી વિનિતા રાજાણીએ કહ્યું હતું કે ‘સાધુ વાસવાણી સ્કૂલમાં ભણતા સેંકડો વિદ્યાર્થીઓ રોજ આ રસ્તો ક્રૉસ કરતા હોય છે. ખાડા ખોદવામાં આવ્યા હોવાથી રોડ ઘણો સાંકડો થઈ ગયો છે. વાહનો રસ્તાની વચ્ચે પાર્ક કરી દેવામાં આવે છે, જેને કારણે રાહદારીઓ અને વાહનોની અવરજવર માટે માંડ પા ભાગનો રોડ મળે છે. ખાસ કરીને ધસારાના સમયે તો અહીંની પરિસ્થિતિ અત્યંત વિકટ હોય છે. રાહદારીઓ તો ફૂટપાથ પર પણ ચાલી શકતા નથી, કેમ કે ત્યાં પણ ફેરિયાઓનો કબજો છે. રાહદારીઓ માટે ફૂટપાથ ઉપલબ્ધ ન હોવાથી ૨૧ ફૂટના ખાડાની વચ્ચેથી રાહદારીઓને જવા માટે એક કામચલાઉ બ્રિજ બાંધવામાં આવ્યો છે જેના પરથી ચાલતી વખતે જો બૅલેન્સ ન જળવાય તો શું થાય એની કલ્પના જ કરવી રહી.’

કેશવ પમનાણીએ કહ્યું હતું કે ‘ખાડાની પાસે લગાવવામાં આવેલા પતરાના બૅરિકેડ પર લખવામાં આવ્યું છે કે સુધરાઈનું કામ ચાલી રહ્યું છે. જોકે ત્રણ વર્ષમાં અહીં કોઈ કામ ચાલતું મને તો શું, આખી સોસાયટીમાં કોઈને દેખાયું નથી.’

નવજીવન સોસાયટીના અન્ય એક રહેવાસી શ્યામ ભાટિયાએ કહ્યું હતું કે ‘માહુલ અને વાશી તરફ જવા માટેનો આ મેઇન રોડ છે અને માહુલ તરફ જતી ટ્રકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. અત્યારે જે રીતે રસ્તાનો માત્ર પા ભાગ વાહનવ્યવહાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે એને કારણે અકસ્માત થવાની તો પૂરી શક્યતા રહેલી છે. આ રસ્તાને વહેલી તકે પૂર્વવત્ કરવાની રજૂઆતો પ્રત્યે સુધરાઈ કોઈ ધ્યાન આપી રહી નથી. હમણાં જ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ કામને કારણે વધુ લોકોના જીવ જઈ શકે તેમ છે.’

સુધરાઈને જાણ જ નથી

આ વિસ્તાર મુંબઈ મહાનગરપાલિકાના જે વૉર્ડ હેઠળ આવે છે એ M વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્ર બાર્ડે‍એ કહ્યું હતું કે ‘મને આ સમસ્યાની જાણ નથી. હું મારા એન્જિનિયરોને સાઇટની મુલાકાત લેવા જણાવીશ.’