20 February, 2026 11:11 AM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક ટીચરે આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને તવેથાથી ૪૦ ફટકા માર્યા હતા. ટીચરે વિદ્યાર્થિનીને ઘડિયા ન આવડતા હોવાથી આ ભયંકર સજા આપી હતી. આ ઘટના નવી મુંબઈના ગોથીવલી ગામમાં બની હતી. આ કેસમાં ટીચર વિરુદ્ધ રબાળે પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. માતા-પિતાએ આ ટીચર સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
મળતી માહિતી અનુસાર છોકરી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેનાં માતા-પિતાએ આ છોકરીને ઘરની નજીકમાં ટ્યુશન લેતી શિક્ષિકા પાસે મોકલી હતી. શિક્ષિકાએ વિદ્યાર્થીઓને ઘડિયા પાકા કરીને આવવાનું કહ્યું હતું, પરંતુ છોકરી ઘડિયા યોગ્ય રીતે બોલી શકતી નહોતી. એથી શિક્ષિકા ગુસ્સે થઈ ગઈ હતી અને તેણે આ વિદ્યાર્થિનીને ભયંકર સજા કરી હતી.
શિક્ષિકાએ વિદ્યાર્થિનીને ઘરના કિચનમાં વપરાતા તવેથાથી એક-બે નહીં, ૪૦ વખત ફટકા માર્યા હતા. શિક્ષિકાએ કરેલી એ સજાથી વિદ્યાર્થિનીનો હાથ સૂજી ગયો હતો અને તેના હાથ પર લાલ ચાઠાં પડી ગયાં હતાં. તેને ખૂબ પીડા પણ થતી હતી અને તે બહુ જ રડી રહી હતી. તેણે ઘરે ગયા પછી તેનાં માતા-પિતાને આ ઘટના વિશે જાણ કરી હતી. તેની હાલત જોઈને તેના પિતા પણ ચોંકી ગયા હતા.
આ ઘટનામાં છોકરીનાં માતા-પિતાએ ટ્યુશન શિક્ષકાને પૂછપરછ કરી ત્યારે તેમણે કહ્યું કે ‘તમારી પુત્રી ભણતી નથી. જે વિદ્યાર્થી નથી ભણતા તેમને આ પહેલાં પણ સજા કરી છે. જો તે આ સજા સહન ન કરી શકે એમ હોય તો તેને બીજા ટ્યુટર પાસે મોકલો.’
ગુસ્સે ભરાયેલા છોકરીનાં માતા-પિતા પોલીસ-સ્ટેશન ગયાં હતાં અને ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં રબાળે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.