નેરુળમાં થયેલી બિલ્ડર સવજી મંજેરીની હત્યા ધંધાકીય અદાવતને લીધે થઈ?

17 March, 2023 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈ પોલીસ હત્યારાઓને પકડવા દરેક ઍન્ગલથી તપાસ ચલાવી રહી છે

ફાઇલ તસવીર

નવી મુંબઈમાં રિયલ એસ્ટેટના અનેક પ્રોજેક્ટ્સ બનાવનાર એમ્પીરિયા ગ્રુપના સવજીભાઈ મંજેરીની બુધવારે બે બાઇકસવારોએ નજીકથી ગોળી મારીને હત્યા કરી હતી. એ કેસમાં નવી મુંબઈ પોલીસ હત્યારાઓને પકડવા દરેક ઍન્ગલથી તપાસ ચલાવી રહી છે.

મુખ્યત્વે પૈસાની લેતીદેતી, જમીન બાબતનો વિવાદ કે પછી એવી જ અન્ય કોઈ વ્યાવસાયિક અદાવતને કારણે આ હત્યા થઈ હોઈ શકે એવી શક્યતાના આધારે પોલીસ દરેક ઍન્ગલથી તપાસ કરી રહી છે. નવી મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) અમિત કાળેએ કહ્યું હતું કે અમે આ કેસમાં હજી સુધી કોઈની અરેસ્ટ કરી નથી અને કેસની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ.

નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તાનાજી ભગતે પણ એ જ વાતને દોહરાવી હતી. આ જ કેસની સમાંતર તપાસ કરી રહેલા નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ત્રણના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિશ્વનાથ કોળેકરે કહ્યું હતું કે મર્ડરની તપાસ મુખ્યત્વે નેરુળ પોલીસ જ કરી રહી છે અને અમે કેસને લગતાં અન્ય પાસાંની તપાસ કરી રહ્યા છીએ.

આ કેસમાં તેમને કોઈ ધમકી મળી હતી કે કેમ, તેમના કૉલ-રેકૉર્ડ્સ, અન્ય લોકો સાથેના આર્થિક વ્યવહાર જેવી​ બાબતોની પણ તપાસ થઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

mumbai mumbai news Crime News mumbai crime news navi mumbai nerul