વાસનાની સજા કારાવાસ

18 September, 2022 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ વર્ષ પહેલાં નવી મુંબઈની ઘટનામાં સગીર સ્ટુડન્ટને પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસનો શિક્ષક બ્લૅકમેઇલ કરીને શારીરિક શોષણ કરતો હોવાનું પુરવાર થતાં કોર્ટે ૨૦ વર્ષની જેલની આકરી સજા ફટકારી

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં એક પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસના ૪૪ વર્ષના શિક્ષકને શુક્રવારે ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૧૭ વર્ષની સ્ટુડન્ટ પર વારંવાર બળાત્કાર કરવાના મુદ્દે દોષી ઠેરવીને ૨૦ વર્ષની સજા ફટકારી છે. આરોપી શિક્ષકે પીડિત વિદ્યાર્થિનીનો અશ્લીલ વિડિયો બનાવ્યો હતો અને એના આધારે તેને બ્લૅકમેઇલ કરી તેનું શારીરિક શોષણ કરતો હોવાનું પુરવાર થતાં કોર્ટે આ નરાધમ શિક્ષકને આકરી સજા ફટકારી છે. ગુરુ-શિષ્યાના સંબંધને કલંક લગાડનારી આ ઘટના ૨૦૧૯માં બની હતી. પીડિત સ્ટુડન્ટ પર પહેલી વખત નરાધમ શિક્ષકે બળાત્કાર કર્યો ત્યારે તે તે ૧૭ વર્ષની હતી. ઑક્ટોબર ૨૦૧૯માં આરોપી શિક્ષક સંજય ભાગચંદાણીએ પીડિત સ્ટુડન્ટને ક્લાસ પૂરો થયા બાદ એકલીને રોકાવા કહ્યું હતું. ત્યાર બાદ અભ્યાસક્રમની નોટ આપવાના બહાને તેને પોતાના ઘરે લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર કર્યો હતો. એ પછી ૨૦૨૦માં આ જ સ્ટુડન્ટને શિક્ષકે ફરી ઘરે બોલાવી હતી. પીડિતાએ જવાની ના પાડતાં ટીચરે તેનો અશ્લીલ વિડિયો જાહેર કરવાની ધમકી આપતાં ડરી ગયેલી વિદ્યાર્થિની બે વખત શિક્ષકની હવસનો શિકાર બની હતી. જોકે ત્યાર બાદ હિંમત કરીને વિદ્યાર્થિનીએ આ વિશે માતા-પિતાને વાત કરી હતી. તેમણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

mumbai mumbai news Crime News navi mumbai