રેપકેસમાં વિધાનસભ્ય ગણેશ નાઈક વિરુદ્ધ પુરાવા શોધી શકાય એમ નથી : પોલીસ

03 December, 2022 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે એપ્રિલ મહિનામાં ૪૨ વર્ષની એક મહિલાએ ગણેશ નાઈક વિરુદ્ધ બળાત્કાર કરવાનો અને ધાકધમકી આપવાનો કેસ નોંધાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈ પોલીસે શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે ભાજપના વિધાનસભ્ય ગણેશ નાઈક વિરુદ્ધ દાખલ થયેલા બળાત્કારના કેસમાં કોઈ પુરાવા મળ્યા નથી અને સ્થાનિક કોર્ટમાં સમરી રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુનો થયો હોય, પણ પુરાવો મળી શકે એમ ન હોય અથવા તો આરોપીઓ મળ્યા ન હોય એવા કેસમાં સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવે છે.

આ વર્ષે એપ્રિલ મહિનામાં ૪૨ વર્ષની એક મહિલાએ ગણેશ નાઈક વિરુદ્ધ બળાત્કાર કરવાનો અને ધાકધમકી આપવાનો કેસ નોંધાવ્યો હતો. મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે અને ગણેશ નાઈક ૧૯૯૫થી લિવ-ઇન રિલેશનશિપમાં હતાં અને તેમને એક સંતાન પણ છે. બંને ૧૯૯૩માં એક ક્લબમાં મળ્યાં હતાં, જ્યાં તે રિસેપ્શનિસ્ટનું કામ કરતી હતી.

એફઆઇઆરમાં મહિલાએ આક્ષેપ કર્યો હતો કે ગણેશ નાઈક તેની સાથે યોગ્ય વ્યવહાર નહોતા કરતા અને તેના ફોન પણ નહોતા ઉઠાવતા. ફરિયાદ પ્રમાણે બંને વચ્ચે સતત તકરાર થતી હતી અને આવી એક ઘટના દરમિયાન ગણેશ નાઈકે ગન બતાવીને મહિલાને ધમકી આપી હતી. એ પછી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી અને એને પગલે એફઆઇઆર નોંધાયો હતો.

આ તરફ ગણેશ નાઈકે કહ્યું હતું કે ૧૯૯૫માં બનેલી ઘટના માટે મહિલાએ ૨૦૨૨માં આક્ષેપો કર્યા હતા. સાથે જ તેમણે આ કેસને તેમના રાજકીય હરીફોનું પીઠબળ મળી રહ્યું હોવાનો દાવો કર્યો હતો.

mumbai mumbai news