મોંઘી મેમ્બર્શિપ ફીથી છુટકારો: NMMC મહિલાઓ માટે ખોલશે જિમ

12 July, 2023 09:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) ટૂંક જ  સમયમાં મહિલાઓ માટે પ્રથમ જિમની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જિમ બેલાપુરના સેક્ટર 20માં બની રહ્યું છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (NMMC) ટૂંક જ  સમયમાં મહિલાઓ માટે પ્રથમ જિમની શરૂઆત કરવા જઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જિમ બેલાપુરના સેક્ટર 20માં બની રહ્યું છે. આ જિમ બેલાપુર કોમ્યુનિટી સેન્ટરના ત્રીજા માળે સ્થિત હશે.

આ પાયલોટ પ્રોજેક્ટ માટે સિવિલ સંસ્થા તરફથી તમામ જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનો સાથેનો સહયોગ મળી રહ્યો છે. ઉપરાંત વહીવટીતંત્રે INR 94 લાખ મૂલ્યના જિમ સાધનો મેળવવા માટે ટેન્ડર બિડની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

સ્પોર્ટ્સ વિભાગના એક અધિકારીએ આ વિષય પર માહિતી આપતાં કહ્યું હતું કે, “કોમ્યુનિટી સેન્ટરનો ત્રીજો માળ અગાઉ ખાનગી જિમને ભાડે આપવામાં આવ્યો હતો. પરંતુ હવે લાંબા સમયથી તે ખાલી પડેલો હતો. તે જ જગ્યા હવે NMMC દ્વારા મહિલાઓ માટે આરોગ્ય કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.”

ખરેખર આ જિમનો કોન્સેપ્ટ વોર્ડ નંબર 106ના પૂર્વ કોર્પોરેટર પૂનમ પાટીલે રજુ કર્યો હતો. તેઓએ આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કરતાં જણાવ્યું હતું કે, “મહિલાઓ ઘણીવાર તેમના પરિવારની જરૂરિયાતોનું ધ્યાન રાખવાને કારણે તેમના સ્વાસ્થ્યની અવગણના કરે છે.”

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, “સદસ્યતાના ઊંચા ભાવને કારણે મહિલાઓ જિમનો ઉપયોગ કરવામાં અચકાય છે. મેં નોંધ્યું હતું કે સેંકડો મહિલાઓ એક દિવસના ઝુમ્બા અથવા યોગા સત્ર માટે પણ ઉત્સાહ બતાવતી હોય છે. NMMC દ્વારા જિમની ઓફરને મહિલાઓ સારો પ્રતિસાદ આપશે તે સમજ્યા બાદ મેં ગયા વર્ષે આ કલ્પના સૌની આગળ મૂકી હતી.”

એક બાજુ જ્યાં મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની વ્યાપક ઉપેક્ષા કરવામાં આવી રહી હોય ત્યાં લેવામાં આવેલ પગલું સરાહનીય માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને સ્થાનિક રહેવાસીઓએ પણ આવકાર્યો છે.

એક રહેવાસીના મંતવ્ય મુજબ “તે એક નવતર વિચાર છે જે શહેરની મહિલાઓને ખૂબ જ મદદ કરશે. દરેક નોડમાં એક સામુદાયિક કેન્દ્ર અસ્તિત્વમાં છે અને NMMC એ અમુક જગ્યા ફક્ત મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાળવવાનું વિચારવું જોઈએ.”

એક જનરલ ફિઝિશિયન આ નવતર પ્રોજેક્ટ વિશે જણાવે છે કે, “સ્ત્રીઓ સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણતી હોય છે. સ્ત્રીઓ ઘરગથ્થું ઉપચાર અથવા બિન-કાઉન્ટર દવાઓનો સહારો લેતી હોય છે. જ્યાં સુધી તે ચિંતાનું ગંભીર કારણ ન બને ત્યાં સુધી પરીક્ષણો લેવામાં તેઓ વિલંબ કરે છે. દિવસે-દિવસે મહિલાઓમાં તાણ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી પસંદગીઓને કારણે કાર્ડિયો સંબંધિત બિમારીઓ, પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS), ડાયાબિટીસ, હાયપરટેન્શન અને વંધ્યત્વમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.”

ઉલ્લેખનીય છે કે ડમ્બબેલ રેક્સ, મહિલા ઓલિમ્પિક 7 ફૂટ બાર્બેલ્સ, એલિપ્ટિકલ ક્રોસ ટ્રેનર્સ, કોમર્શિયલ ટ્રેડમિલ્સ, કોમર્શિયલ એર બાઇક્સ, સ્ટેયર ક્લાઇમ્બર્સ, સ્ક્વોટ ઇક્વિપમેન્ટ, રિસ્ટ કર્લ્સ, લેગ એક્સટેન્શન અને લેગ કર્લ મશીન વગેરે જિમના કેટલાક સાધનો સિવિક બોડી દ્વારા જિમમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે.

 

navi mumbai belapur bombay gymkhana sports mumbai news mumbai