સવજી પટેલ હત્યાકેસમાં હજી મુખ્ય આરોપી પોલીસથી નાસતો ફરી રહ્યો છે

31 March, 2023 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક આરોપીને શોધવા પણ નેરુળ પોલીસની ટીમ બિહારમાં તપાસ ચલાવી રહી છે

ફાઇલ તસવીર

નવી મુંબઈના બિલ્ડર સવજી મંજેરી ઉર્ફે સવજી પટેલની હત્યાના કેસમાં તેમને મારવાની ૨૫ લાખ રૂપિયાની સુપારી આપનાર મુખ્ય આરોપી હાલ પોલીસથી બચવા નાસતો ફરી રહ્યો છે અને તેને શોધવા નેરુળ પોલીસની ટીમ પ્રયાસ કરી રહી છે, જ્યારે આ જ કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપીને શોધવા પણ નેરુળ પોલીસની ટીમ બિહારમાં તપાસ ચલાવી રહી છે.

નેરુળ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર તાનાજી ભગતે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કેસમાં અમે મેહેક નારિયા - કો-ઑર્ડિનેટર અને બિહારથી ઝડપેલા ત્રણ શૂટર્સ અને તેમને અહીં બિહારની મધ્યસ્થીથી બોલાવનાર બાંદરાના રફીક અહમદ એમ કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે બચુભાઈ પટણીની હત્યાનો બદલો લેવા માગતો મુખ્ય આરોપી હજી નાસતો ફરી રહ્યો છે. અમે ટેક્નિકલ માહિતીના આધારે એનું ઍનૅલિસિસ કરીને તેની ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગામમાં તેનો પરિવાર રહે છે, પણ એ ગાયબ છે. અમારી ટીમ સતત ગુજરાત સહિત અન્ય જગ્યાએ તેને શોધી રહી છે, જ્યારે બીજો આરોપી બાંદરાના રફીક અહમદ સાથે બિહારથી હુમલાખોરને લાવવામાં ભૂમિકા ભજવનારો મધ્યસ્થી છે. રફીક અહમદે ઑલરેડી તેમને પહેલાં એક લાખ અને પછી નવ લાખ આપ્યા છે, જ્યારે બાકીની રકમનું શું થયું? મધ્યસ્થી લઈને ભાગી ગયો કે કામ પતે પછી મળવાની હતી? આ બાબતે મધ્યસ્થી અથવા મુખ્ય આરોપી પકડાય ત્યારે જાણ થઈ શકે એમ છે. અમારી તેમને ઝડપી લેવાની કોશિશ ચાલુ જ છે.’

mumbai mumbai news navi mumbai Crime News mumbai crime news mumbai police