નવી મુંબઈમાં બંધ ફ્લૅટમાંથી મળ્યા ચાર મૃતદેહ

23 February, 2020 07:31 AM IST  |  Mumbai

નવી મુંબઈમાં બંધ ફ્લૅટમાંથી મળ્યા ચાર મૃતદેહ

નવી મુંબઈના તળોજા વિસ્તારમાં આવેલી શિવ કૉર્નર સોસાયટી.

નવી મુંબઈના તળોજા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના ફ્લૅટમાંથી એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળેથી એક સુસાઇડ-નોટ મળી આવતાં આ મામલો સામૂહિક આત્મહત્યાનો હોવાની નોંધ પોલીસે લીધી હતી. આ પરિવાર સપ્ટેમ્બર ૨૦૧૯થી શિવ કૉર્નર નામના બિલ્ડિંગમાં ભાડે રહેવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બંધ ફ્લૅટમાંથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતી હોવાથી દોઢેક મહિના પહેલાં ચારેયનાં મૃત્યુ થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. તમામ મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં હાથ લાગ્યા છે.

તળોજા પોલીસના જણાવ્યા મુજબ શિવ કૉર્નર સોસાયટીના સાતમા માળે આવેલા ફ્લૅટમાં દિલ્હીથી સપ્ટેમ્બર ૨૦૧૯થી આવેલો પરિવાર રહેતો હતો. ૩૫ વર્ષનો પુરુષ, ૩૦ વર્ષની મહિલા, ૭ વર્ષનો કિશોર અને ૮ વર્ષની કિશોરીના મૃતદેહ આજે સવારે બેડરૂમમાંથી મળી આવ્યા હતા. ફ્લૅટના માલિકે બહારથી દરવાજો ખોલ્યો હતો ત્યારે તેમણે આ મૃતદેહ પડેલા જોયા બાદ પોલીસને જાણ કરી હતી.

આ મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટનાસ્થળેથી સુસાઇડ-નોટ મળી આવી હોવાથી પ્રાથમિક દૃષ્ટિએ આ મામલો સામૂહિક આત્મહત્યાનો છે, પરંતુ અમે આ ચોંકાવનારી ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. આ કુટુંબ ક્યાંથી આવ્યું હતું, તેમનો વ્યવસાય શું હતો એની માહિતી મેળવાઈ રહી છે. ફ્લૅટના માલિકે સપ્ટેમ્બર ૨૦૧૯માં ફ્લૅટ આ પરિવારને ભાડે આપ્યો હતો. ડિસેમ્બર અને જાન્યુઆરીનું ભાડું બાકી હોવાથી ફ્લૅટના માલિક આ પરિવારનો સંપર્ક કરતા હતા, પરંતુ તેમનો મોબાઇલ બંધ આવતાં તેઓ આજે અહીં પહોંચ્યા હતા.

સોસાયટીના ચૅરમૅન અને સેક્રેટરી સાથે ફ્લૅટના માલિકે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એ અંદરથી બંધ હોવાનું જણાયું હતું. આથી તેમણે ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યા બાદ અંદર જતાં તેમને પરિવારના ચારેય લોકોના મૃતદેહ જોવા મળ્યા હતા.

તળોજા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કાશીનાથ ચવાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૃતક નિતેશ ઉપાધ્યાય હોવાનું પ્રાથમિક રીતે જણાઈ આવ્યું છે. મૃતદેહ સાવ કોહવાઈ ગયેલી હાલતમાં હાથ લાગ્યા હોવાથી પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ તેમના મૃત્યુ કેવી રીતે થયા છે એ જાણી શકાશે. અમારી ટીમે ચારેયના મૃતદેહનો તાબો લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી આપ્યા છે અને તેમના આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.’

navi mumbai mumbai mumbai news suicide